મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

પાકિસ્તાનને ફરી લવારો ઉપડયોઃ કાશ્મીર પેલેસ્ટાઇનમાં માનવાધીકારોનું ઉલ્લંઘન

બલુચિસ્તાન પહેલા સંભાળો... ઝડપથી વિવાદ ઉકેલવા યુનોમાં કાગારોળ મચાવી

જીનીવા તા. ૨૧ : સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ કહ્યું કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પ્રમાણે પેલેસ્ટાઇન અને કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવાની જરૂર છે. ન્યાય વગર શાંતિ સ્થાપવી મુશ્કેલ છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કાશ્મીરમાં પોતાના ઠરાવોને લાગુ કરવા માટે ચૂંટણીની પ્રક્રિયા રોકવી જોઇએ. આ ટિપ્પણી ગત સપ્તાહે સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ધ્યાને રાખી ઇન્ટરનેશનલ કાયદાનું પાલન કરવા જેવા વિષયો પર ચર્ચા દરમિયાન થઇ હતી.મે મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાનના સભ્ય મસૂદ અનવરે સંયુકત રાષ્ટ્રની સૂચના સમિતિના એક સત્રને સંબોધન કરતા જણાવ્યું કે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. મસૂદે કહ્યું હતું કે કાશ્મીરના લોકોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ફરી સંયુકત રાષ્ટ્રમાં મલીહા લોધીએ જણાવ્યું કે યુએનએસસીએ પોતાના કાર્યોમાં વધુમાં વધુ સુસંગત અને નિષ્પક્ષ હોવું જોઇએ. પોતાના નિર્ણય અને પ્રસ્તાવોને લાગુ કરાવવા માટે ચૂંટણી યોગ્ય નથી. અંતમાં ન્યાય વગર શાંતિ સ્થાપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે આ એજ મલીહા લોધી છે જેઓએ એક ઘાયલ બાળકીનો ફોટો દેખાડી દાવો કર્યો હતો કે આ બાળકી કાશ્મીરમાં પેલેટ ગનનો શિકાર થઇ છે, જયારે હકીકતમાં આ ફોટો પેલેસ્ટાઇનની બાળકીનો હતો. ભારતના જુનિયર ડિપ્લોમેટ પોલોમી ત્રિપાઠીએ તુરંત યુએનનું ધ્યાન દોર્યું અને પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.ભારતે મસૂદના આરોપને ઠુકરાવતા જણાવ્યું કે તેમની ટિપ્પણી યુનોની કાર્યવાહી માટે અપ્રાસંગિક છે. પાકિસ્તાન, સંયુકત રાષ્ટ્ર સૂચના સમિતિને ગુમરાહ કરવાના પ્રયાશો કરવામાં આવી રહ્યાં છે. યુએનમાં ભારતીય ટીમના મંત્રી શ્રીનિવાસ પ્રસાદે કહ્યું હતું કે ભારત તમામ પ્રકારના આંતકવાદનો વિરોધ કરે છે, અને આતંકવાદ સામેની લડાઇમાં દેશના સહયોગને જરૂરી ગણે છે.

(3:50 pm IST)