મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

કર્ણાટક પ્રકરણથી દેશના રાજકારણમાં નવો વળાંકઃ સોનિયા વિપક્ષોને નિમંત્રિત કરશે

પ્રિ. પોલ એલાયન્સ તરફ વિપક્ષોની ગતિ વધીઃ ભાજપ માટે મોટા પડકારના પડઘમ

રાજકોટ, તા. ૨૧ :. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી સરકાર રચીને બહુમતી પુરવાર કરવામાં ભાજપ નિષ્ફળ જતા દેશવ્યાપી પડઘા પડયા છે. કર્ણાટકની ઘટમાળથી દેશના રાજકારણમાં નવો વળાંક આવી રહ્યાનું રાજકીય પંડિતો માને છે. ભાજપ સામે વિપક્ષોને સંગઠિત તાકાત બતાવવાનો અવસર મળ્યો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ટૂંક સમયમાં ફરી તમામ વિપક્ષોને પ્રીતિ ભોજન નિમિતે બોલાવે તેવા નિર્દેષ મળે છે. જુન મહિનામા કોંગ્રેસના રાષ્ટ્રીય કોર ગ્રુપની બેઠક મળનાર છે. જેમા નવી રણનીતિ ઘડાશે.

કર્ણાટકમાં ભાજપની બેઠકો ૪૦થી વધીને ૧૦૪ થઈ અને કોંગ્રેસની બેઠકો ૧૨૨માંથી ઘટીને ૭૮ થઈ ગઈ તે વાત જ ભાજપના ખેલના કારણે ભૂલાઈ ગઈ છે. દેશભરમાં ભાજપની આબરૂને જોરદાર ફટકો લાગ્યો. ભાજપ જે રાજ્યમાં તડજોડનું સાહસ કરે ત્યાં ચાણકય ચાલથી સફળતા મળે જ તેવી છાપ ભૂંસાઈ ગઈ. કોંગ્રેસ સહિતના વિપક્ષોને નવુ બળ મળી ગયુ છે. જેની અસર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં દેખાશે.

ભાજપના વિવિધ પ્રકારના 'તાપ'થી બચવા માટે ભેગુ થવું જરૂરી હોવાનું વિપક્ષોને સમજાવા લાગ્યુ છે તેથી ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી મહાગઠબંધનનો રસ્તો ખૂલી રહ્યો છે. કર્ણાટક પ્રકરણથી પ્રિ. પોલ એલાયન્સને ગતિ મળી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ દિશામાં મક્કમ પગલા ભરી રહ્યા છે. કુમારસ્વામીની શપથવિધિમાં તેની ઝલક દેખાઈ આવશે. ટૂંક સમયમાં દેશના રાજકારણમાં નવા સમીકરણો દેખાશે.

(3:44 pm IST)