મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

૨૦૧૪માં 'ઘર ઘર' મોદી : ૨૦૧૯માં 'બાય બાય' મોદી

ભાજપ અને નફરતના રાજકારણથી કેન્દ્ર સરકારને મુકત કરાવાશે : એકસાઇઝ ડયુટી વધારી ૧૦ લાખ કરોડની લૂંટ ભાજપે ચલાવી

નવી દિલ્હી તા. ૨૧ : કર્ણાટકમાં વિધાનસભ્યોને લાંચ આપવાના ભાજપના નેતાઓએ પ્રયાસ કર્યો હોવાનો આક્રમક શાબ્દિક પ્રહાર કરતાં કોંગ્રેસે એ પ્રકરણે તપાસ કરવાનો વડા પ્રધાને આદેશ આપવો જોઈએ તેવી માગણી કરી હતી.

કર્ણાટકમાં વિશ્વાસનો મત લેવાય તે પહેલાં જેડી(એસ) અને કોંગ્રેસના વિધાનસભ્યોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

'ભાજપના વિધાનસભ્યો દ્વારા ભ્રષ્ટાચારનો પ્રયાસ કરવામાં આવ્યો તે અંગે વડા પ્રધાને તપાસનો આદેશ આપીને ભ્રષ્ટાચાર સામે લડત આપવાની આપેલ બાંયધરી સાબિત કરવી જોઈએ. કોંગ્રેસના પ્રવકતા જયવીર શેરગીલે પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને જેડી (એસ)ની યુતિમાં ભંગાણ પાડવાના ઈરાદાથી ભાજપના વિધાનસભ્યોએ યુતિ પક્ષના સભ્યોને લાંચ આપવાની ઓફર કરી હતી. બી એસ યેદીયુરપ્પાએ વિશ્રાસના મતનો સામનો કર્યા વિના રાજીનામું આપ્યું તે પછીના દિવસે કોંગ્રેસે આવો આક્ષેપ કર્યો હતો.'

શેરગલિના જણાવ્યા પ્રમાણે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીએ પહેલાં જણાવ્યું તેમ કોંગ્રેસ ભાગીદાર પક્ષ સાથે મળીને કામ કરશે. કેન્દ્ર સરકારને ભાજપથી અને નફરતના રાજકારણથી મુકત કરવા આ યુતિ કરવામાં આવી છે.

સત્ય એ છે કે ૨૦૧૪માં ભારતમાં 'ઘર ઘર મોદી'નો નારો હતો. ૨૦૧૯માં કોંગ્રેસ  'બાય બાય મોદી'નારો લાવશે.

સરકારે ડીઝલ-પેટ્રોલ પરની એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરીને રૂ. ૧૦ લાખ કરોડની લૂંટ ચલાવી હોવાનો દાવો કરતાં શેરગીલે વધુમાં જણાવ્યું કે લૂંટેલી રકમનો ઉપયોગ કર્ણાટકના વિધાનસભ્યોને 'લલચાવવા' માટે કરવામાં આવ્યો.(૨૧.૧૮)

 

(12:08 pm IST)