મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

બુધવારે વિપક્ષ ૨૦૧૯નો શંખ ફુંકશે

કર્ણાટકમાં કુમાર સરકારના શપથ પ્રસંગે વિપક્ષનું વિરાટ શકિત પ્રદર્શનઃ રાહુલ, અખિલેશ, માયા, મમતા, ચંદ્રાબાબુ, લાલુ પરિવાર સહિતના મોટાભાગના વિપક્ષ નેતાઓ ઉપસ્થિત રહેશે.. રાજકીય ગરમાવો

બેંગ્લોર તા.૨૧: કર્ણાટકની ભૂમિ વિપક્ષોને એક કરવા નિમિત બની છે.

બુધવારે કોંગ્રેસના ટેકાવાળી કુમાર સ્વામી સરકારનો શપથગ્રહણ સમારોહ ભવ્યતાથી આયોજિત થવાનો છે. આ સમારોહમાં વિપક્ષ મતભેદ ભુલીને ઉપસ્થિત રહે તેવા પ્રયાસો થાય છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વિપક્ષ વિરાટશકિત પ્રદર્શન કરવા જઇ રહયો છે. મંચ પરથી વિપક્ષી નેતાઓ ૨૦૧૯ન શંખનાદ કરશે. મોદી-શાહની જોડી સામે મોટો પડકાર સર્જાશે સૂત્રો કહે છે કે, વિપક્ષના ગણમાન્ય નેતાઓ રાહુલ ગાંધી, મમતા બેનરજી, અખિલેશ યાદવ, લાલુ યાદવ પરિવાર, માયાવતી, ચંદ્રાબાબુ નાયડુ સહિતના નાના -મોટા નેતાઓ કર્ણાટક પહોચે તેવા પ્રયાસો થાય છે.

જોકે, રાજકીય સમીક્ષકો માને છેકે, વિપક્ષ માટે એક થવું સરળ નથી. વડાપ્રધાનપદના ઉમેદવાર મુદે મોટા મતભેદો સર્જાઇ શકે છે. રાહુલ ગાંધીએ પોતાને ઉમેદવાર ઘોષીત કરી દીધા છે, મમતા-અખિલેશ આ દાવાને અસ્વીકાર્ય ગણે છે. કોંગ્રેસ વડાપ્રધાનપદ અંગે બાંધછોડ કરે તો મોદી-શાહ સામે વિપક્ષનો વિરાટ મોરચો શકય બને તેમ છે.

છતાં બુધવારે કુમાર સ્વામી સરકારના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત તમામ નેતાઓનો ટાર્ગેટ મોદી સરકાર અને શાહનીતિ રહેશે. ભાજપ પણ આ ગતિવિધિ પર નજર માંડીને બેઠો છે. કર્ણાટકના રાજકીય સમીકરણે રાષ્ટ્રીય રાજનીતિને ગરમાવો આપી દીધો છે.(૧.૬)

(12:03 pm IST)