મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

જીએસટી હેઠળ સૌથી મોટો કેસ : ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા બે કંપનીઓના ડાયરેક્ટરની ધરપકડ

કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ગેરકાયદે ટેક્સ ક્રેડિટ મેળવવાનો આરોપ

નવી દિલ્હી- મહાનિદેશાલય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે બે બિજનેસમેનોની ધરપકડ કરી છે. આ બંન્ને ધંધાર્થીઓએ જીએસટીના કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ગેરકાનૂની રીતે 1.28 અબજ રૂપિયા ટેક્સ ક્રેડિટના રૂપમાં પ્રાપ્ત કર્યા છે.

   સુત્રોના જણાવ્યા અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સની મુંબઈની ટીમે બે કંપનીઓના ડાયરેક્ટરની ધરપકડ કરી છે, જેમાં હોરિઝન આઉટસોર્સ સોલ્યુશન્સના ડાયરેક્ટર અમિત ઉપાધ્યાય અને બેસ્ટ કોમ્પ્યુટર સોલ્યુશનના ડાયરેક્ટર અસાદ અનવર સૈયદની આ ગેરકારનૂની રીતે ટેક્સ ક્રેડિટ મેળવવાના મામલે ધરપકડ કરી છે. બેંન્ને કંપનીઓના સેલિંગ અને ખરીદના બીલની અરસપરસ ફેરબદલી કરીને સરકારને ચૂનો લગાવ્યો છે. જેના માટે તેઓ નકલી બીલનો ઉપયોગ કરી રહ્યાં હતાં.

  આ બંન્ને બિજનેસમેનોને અદાલતે 2 જૂન સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ મામલે તપાસ કરી રહેલી એજન્સીના જણાવ્યા અનુસાર આ આરોપીઓએ આ કામ માટે એપ્રિલ 2016થી જૂન 2017ની વચ્ચે ગેરકાનુની વ્યવહારો કર્યા હતાં.

   અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી હેઠળ છેતરપીંડીનો આ પ્રથમ સૌથી મોટો કિસ્સો છે. આ સાથે તપાસ દરમિયાન આ પ્રકારના અન્ય કેટલાક મામલાઓ પણ સામે આવ્યા છે.

(12:00 am IST)