મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

હવે ઘરમાં દરરોજ કેટલી વીજળી વપરાઈ ?: તેની અપાશે માહિતી : વીજ કંપની બદલવાની મળશે છૂટ

ઘરનું કયું ઉપકરણ વધારે વીજળી વાપરે છે તે અંગેની માહિતી ગ્રાહકોને અપાશે

નવી દિલ્હી :હવે મોબાઈલ ડેટાની જેમ ઘર વપરાશમાં દરરોજ કેટલી વીજળી વપરાય છે તેની માહિતી પણ મળી શકશે. જેમાં વિદ્યુત નિગમ અને કંપનીઓ ગ્રાહકોને રોજ કેટલી વીજળી વપરાઈ તેની જાણકારી આપશે.

  ઓટોમેશન ટેકનીક તરફ આગળ વધી રહેલા કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે રાજ્યો સાથે ચર્ચા બાદ વીજળી વિતરણ કરતી કંપનીઓ પાસે આ મામલે સલાહ માગી છે. જે બાદ આ વ્યવસ્થા લાગૂ કરાશે. આ નવી સુવિધા હેઠળ ગ્રાહકો સંતુષ્ટના હોય તો વીજ કંપની બદલવાની છૂટ પણ મળશે. વીજ કંપનીઓ ઘરનું કયું ઉપકરણ વધારે વીજળી વાપરે છે તે અંગેની માહિતી ગ્રાહકોને પૂરી પાડશે. જેથી ગ્રાહકો જાણી શકે કે કયા વીજ ઉપકરણને બદલવાથી એક મહિનામાં કેટલી વીજળી અને રૂપિયાની બચત થઈ.

   ઉર્જા મંત્રાલયે કહ્યું કે, સ્માર્ટ ગ્રિડ અને સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને આ પ્રકારની સુવિધાઓ આપી શકાય તેમ છે. જેનાથી વીજ ચોરી અને મન ફાવે તેમ વીજળીનો ઉપયોગ અટકાવી શકાશે. સાથે જ આઉટએજ મેનેજમેંટ સિસ્ટમનો ઉપયોગ કરીને વીજળી કેમ કપાઈ તેના કારણની જાણકારી પણ ગ્રાહકોને સરળતાથી મળી જશે.

વિદ્યુત પ્રધાન આર.કે. સિંહે કહ્યું કે, 2015માં અમે રાજ્યો સાથે કરાર કર્યો હતો કે દરેકને 24 કલાક વીજળી મળશે. આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 નક્કી કરાઈ છે. આ લક્ષ્‍ય સુધી પહોંચવા કેન્દ્ર સરકાર સતત કાર્યરત છે.

(8:47 am IST)