મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

નાસિકઃ હોસ્પિટલમાં ઓકિસજનની ટેન્ક લીકઃ સપ્લાય અટકતા ૧૧ દર્દીઓના મોત

નાસિક તા. ૨૧: દેશમાં એક તરફ ઓકિસજનની અછત જોવા મળી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. આજે અહીં ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓકિસજનની ટેન્ક લીક થઇ હતી. જેના કારણે સપ્લાય અટકી જતા ૧૧ દર્દીઓના કમકમાટીભર્યા મોત થતા ખળભળાટ મચી ગયો છે. જે દર્દીઓના મોત થયા તે બધા વેન્ટીલેટર ઉપર હતા. હવે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ ઘટના સર્જાઇ ત્યારે હોસ્પિટલમાં ૧૭૧ દર્દીઓ મોજુદ હતા.

ઓકિસજન લીક થવાની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે હોસ્પિટલ સંકુલમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઇ ગયુ હતુ. તે પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબુમાં લીધી હતી.

નાસિકની ઘટના પર નિવેદન આપતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઓકિસજનની સપ્લાય અટકી જતા ૧૧ દર્દીઓના મોત થયા છે. આ બધા વેન્ટીલેટર ઉપર હતા.

મહારાષ્ટ્રમાં ઓકિસજનની અછત સર્જાઇ છે ત્યારે અહીં ઓકિસજનની ટાંકી લીક થવાથી મોટા પ્રમાણમાં ઓકિસજન વેડફાઇ ગયો હતો. ઓકિસજનના પ્રસારને રોકવા માટે ફાયર બ્રિગેડ મહેનત કરી રહી છે.

મળતા અહેવાલો મુજબ ટેન્કર ભરતી વખતે આ લીકેજ થયુ હતુ. જ્યારે આ ઘટના સર્જાઇ ત્યારે ૨૫ દર્દીઓ વેન્ટીલેટર ઉપર હતા. જેઓની હાલત ગંભીર છે. આ સિવાય ૬૦થી વધુ દર્દીઓને ઓકિસજન પૂરો ચાલુ હતો.

(3:13 pm IST)