મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં ઉતર પ્રદેશ પોલીસને ક્લિનચીંટ

સુપ્રિમકોર્ટની સમિતિએ કહ્યુ એન્કાઉન્ટર બનાવટી હોવાના કોઈ પૂરાવા નહી

નવી દિલ્હી : ઉતર પ્રદેશના કાનપુરના ખુંખાર ગુનેગાર અને પોતાને પકડવા આવેલ પોલીસની નિર્મમ હત્યા કરનારા ગેગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં સુપ્રિમ કોર્ટની સમિતીએ, ઉતરપ્રદેશ પોલીસને ક્લિનચીટ આપી છે. સુપ્રિમ કોર્ટની સમિતીએ આપેલી ક્લિનચીટના પગલે, કાનપુર એન્કાઉન્ટરના માસ્ટર માઇન્ડ અને ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર કેસ સાથે સંકળાયેલી ઉત્તર પ્રદેશ પોલીસને મોટી રાહત મળી છે.

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ સાચો છે કે બનાવટી તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.એસ.ચૌહાણ સમિતિએ, યુપી પોલીસને ક્લિનચીટ આપી છે. સમિતિને યુપી પોલીસ વિરુદ્ધ બનાવટી એન્કાઉન્ટર હોવા અંગેના કોઈ પુરાવા મળ્યા નથી.

વિકાસ દુબેની એન્કાઉન્ટર પછી સુપ્રીમ કોર્ટ દ્વારા નિવૃત્ત જસ્ટિસ બી.એસ. ચૌહાણના અધ્યક્ષસ્થાને સમિતિ રચી હતી. આ સમિતિએ એ ઘણા પોલીસ કર્મીઓની પૂછપરછ કરી હતી. પરંતુ એન્કાઉન્ટર નકલી હોવાનું સાબિત કરવા માટે, સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પુરાવાના અભાવે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં ઉતર પ્રદેશ પોલીસને ક્લિનચીટ આપી હતી. નિવૃત્ત ન્યાયાધીશ બી.એસ.ચૌહાણ સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે યુપી પોલીસ વિરુદ્ધ એન્કાઉન્ટર બનાવટી હોવા અંગેના કોઈ પુરાવા મળ્યા નથી.

સુપ્રીમ કોર્ટે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ બી.એસ. ચૌહાણના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. જેમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.એસ.ચૌહાણ, ભૂતપૂર્વ ડીજીપી કે.એલ. ગુપ્તા અને ઉતર પ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ શશિકાંત અગ્રવાલનો સમિતિમાં સમાવેશ કર્યો હતો.

ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં લગભગ 76 પોલીસકર્મી તેમજ 6 આઈપીએસ અધિકારીઓના નામ સહિત ગૃહ મંત્રાલયમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ જ અધિકારીઓએ વિકાસ દુબે અને તેના સાથી જયકાંત વાજપેયીને ઘણી વાર મદદ કરી હતી. તે જ સમયે, અન્ય પોલીસકર્મીઓએ પણ વિવિધ સ્તરે વિકાસ દુબેને બચાવવા પ્રયાસ કર્યા હતા.

યુપીમાં 8 પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની જુલાઈ 2020માં એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસેથી વિકાસ દુબેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને કાનપુર લાવી રહી હતી. કાનપુરથી બે કિલોમીટર દૂર યુપી એસટીએફનું વાહન પલટી ખાઈ ગયું હતું, તેનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ત્યાંથી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જવાબી કાર્યવાહી કરી વિકાસ દુબે પર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ પછી, 76 પોલીસકર્મીઓ પર સમય સમય પર વિકાસ દુબેની મદદ કરવાનો આરોપ મૂકાયો હતો. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

(11:17 am IST)