મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

૪ દિવસમાં માંગ ચાર ગણી વધી

પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરનું ઓનલાઇન વેચાણ વધ્યું

પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની માંગ તેઓ વધુ કરી રહ્યા છે કે જેઓ હોમ કવોરન્ટિનમાં છે અને વધારે મેડિકલ સપોર્ટની જરૂર છે : પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની કિંમત ૨૦થી ૩૦ ટકા વધી ગઈ છે : છેલ્લા ૪ દિવસમાં પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની માગ ૪ ગણી વધી : આગામી ડિલિવરી માટે ૧૦ થી ૧૫ દિવસનો વેઈટિંગ પીરિયડ છે

નવી દિલ્હી,તા. ૨૧: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે મેડિકલ ટ્રીટમેન્ટમાં ઉપયોગી એવા પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરના ઓનલાઈન વેચાણમાં ભારે વધારો થયો છે. ડીલર્સનું કહેવું છે કે છેલ્લા ૪ દિવસમાં પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની માંગ ૪ ગણી વધી છે. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્લેટફોર્મના ડીલર્સના જણાવ્યા અનુસાર પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની કિંમત ૨૦થી ૩૦ ટકા વધી ગઈ છે. ઈન્ડિયામાર્ટથી લઈને એમેઝોન, ફ્લિપકાર્ટ સુધી લગભગ તમામ ઓનલાઈન પ્લેટફોર્મ પર પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરનો સ્ટોક ખતમ થઈ ગયો છે.

ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્લેટફોર્મ્સના ડીલર્સનું કહેવું છે કે પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની આગામી ડિલિવરી માટે ૧૦થી ૧૫ દિવસનો વેઈટિંગ પીરિયડ છે. પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની માંગમાં અચાનક આવેલા આ ઉછાળાનું કારણ રાજયોમાં વધી રહેલા કોરોનાના કેસો છે. પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની માગ તેઓ વધુ કરી રહ્યા છે કે જેઓ હોમ કવોરન્ટિનમાં છે અને વધારે મેડિકલ સપોર્ટની જરૂર છે.

મળતી માહિતી મુજબ, એક પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરની કિંમત ઓછામાં ઓછી ૫૦૦૦ રૂપિયા હોય છે. જેમાં શુદ્ઘ પ્રાકૃતિક ઓકિસજન ભરેલો હોય છે. પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડરનો ઉપયોગ સરળ હોય છે કારણકે તેમાં આંગળીથી ઓપરેટ થઈ શકે તે વાલ્વ હોય છે.

પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડર ૨.૭ kg, ૩.૪ kg, ૪.૯ kg અને ૧૩.૫ kg ક્ષમતાવાળા હોય છે. જે ક્રમશઃ ૨ કલાક ૪ મિનિટ, ૩ કલાક ૨૭ મિનિટ, ૫ કલાક ૪૧ મિનિટ અમે ૧૪ કલાક ૨૧ મિનિટ ચાલે છે. પોર્ટેબલ ઓકિસજન સિલિન્ડર કિટમાં એક સિલિન્ડર, વાલ્વ, રેગ્યુલેટર અમે મેડિકલ ઓકિસજનથી ભરેલું માસ્ક હોય છે.

(11:10 am IST)