મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

મહારાષ્ટ્રના નાગપુરની ઘટના

રેમડેસિવીર ઇન્જેકશનની શીશીમાં પાણી ભરીને ૨૮,૦૦૦ રૂપિયામાં વેચનારા બે ઝડપાયા

નાગપુર, તા.૨૧: કોરોના મહામારી વચ્ચે જે દર્દીઓનું ઓકસીજન સ્તર ખૂબ ઓછું થઈ જાય છે તેમને ડોકટરો તરફથી રેમડેસિવીર ઇન્જેકશન આપવામાં આવે છે. દર્દીને રેમડેસિવીર ઇન્જેકશનના છ ડોઝ આપવાના હોય છે. હાલ દેશના અનેક વિસ્તારોમાં કોરોનાને કેસ વધતા આ ઇન્જેકશનની અછત ઊભી થઈ છે. ઈન્જેકશનો લેવા માટે હોસ્પિટલો બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. આ જ કારણે રેમડેસિવીર ઇન્જેકશનના કાળા બજારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં બે લોકો રેમડેસિવીર ઇન્જેકશનની શીશીમાં પાણી ભરીને તેને વેચવા જતા ઝડપાયા છે.

પોલીસ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુરના સક્કરદારા વિસ્તારમાંથી બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. જેઓ રેમડેસિવીરની બે શીશીમાં પાણી ભરીને તેને ૨૮ હજાર રૂપિયામાં વેચી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૮ વર્ષીય અભિલાષ પેટકર અને ૨૧ વર્ષીય અનિકેત નંદેશ્વર એકસ-રે ટેકિનશિયન તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે એક વ્યકિતને રેમડેસિવીર ઇન્જેકશનના બે ડોઝ આપ્યા હતા. આ માટે પહેલા બંનેએ ૪૦ હજાર રૂપિયા માંગ્યા હતા, જે બાદમાં ૨૮ હજાર રૂપિયામાં વાત નક્કી થઈ હતી. ઇન્જેકશન ખરીદનાર વ્યકિતના કોઈ સંબંધીને હોસ્પિટલમાં ખસેડાયા હતા, તેમની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેકશનની જરૂર હતી.

સક્કરદારા પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે દર્દીના સગાને બંને ઇન્જેકશન અંગે કોઈ શંકા પડી હતી. જે બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં પોલીસે ટ્રેપ ગોઠવીને બંનેની ધરપકડ કરી લીધી હતી. બંનેની ધરપકડ બાદ બંનેના દ્યરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બંનેએ બીજા કોઈ વ્યકિતઓને પણ આવી રીતે બોગસ ઇન્જેકશન વેંચ્યા છે કે નહીં તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

(11:06 am IST)