મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

ઓક્સિજન શબ્દના પરિણામે કંપનીના શેરના ભાવ આસમાને

કોરોનાના કપરા સમયમાં પણ શેરબજારમાં રમત :બોમ્બે ઓક્સિજન ઈન્વેસ્ટમેન્ટના શેરની કિંમત મ્ઈજી પર તેની અપર સર્કિટ લિમિટ ૨૪૫૭૪.૮૫ને સ્પર્શી ગઈ

મુંબઈ, તા. ૨૦ : હાલ કોવિડ-૧૯ મહામારીને કારણે દેશભરમાં ઓક્સિજન સિલિન્ડર્સની ભારે માગ છે, જેને પરિણામે આ કંપની પોતે અત્યારે એનબીએફસી બિઝનેસ કરતી હોવા છતાં તેના નામમાં 'ઓક્સિજનલ્લ શબ્દના કારણે સ્ટોક માર્કેટમાં ઊંચાઈ પર પહોંચી છે.

બોમ્બે ઓક્સિજન ઈન્વેસ્ટમેન્ટ લિ.ના શેરની કિંમત બીએસઈ પર તેની અપર સર્કિટ લિમિટ રુ. ૨૪૫૭૪.૮૫ને સ્પર્શી ગઈ છે. ઘણીવાર એવું કહેવાય છે કે સ્ટોક માર્કેટનો મુખ્ય પ્રાણવાયુ (ઓક્સિજન) સેન્ટિમેન્ટ દ્વારા આવે છે અને કંપનીના નામમાં 'ઓક્સિજનલ્લ શબ્દના કારણે તેના શેરની કિંમત આસમાનને આંબી રહી છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે કંપનીને અત્યારે ઓક્સિજન ગેસના ઉત્પાદન સાથે કોઈ લેવાદેવા નથી.

બોમ્બે ઓક્સિજન ઈન્વેસ્ટમેન્ટ લિ.ના શેરમાં છેલ્લા દિવસોથી સતત વધારો જોવા મળ્યો છે. ગત માર્ચ મહિનામાં જ હજુ આ કંપનીના શેરની કિંમત રુ. ૧૦૦૦૦ આસપાસ હતી, પરંતુ હાલ દેશમાં ઓક્સિજન સિલિન્ડર્સની અછતના લીધે અને કંપનીના નામમાં ઓક્સિજન શબ્દના લીધે કંપનીના શેરની કિંમતમાં જોરદાર વધારો એક મહિનામાં જ થયો છે. બોમ્બે ઓક્સિજન ઈન્વેસ્ટમેન્ટ લિ.ની વેબસાઈટના હોમપેજ પર કંપની કહે છે કે તેની શરૂઆત ૩ ઓક્ટોબર, ૧૯૬૦માં 'બોમ્બે ઓક્સિજન કોર્પોરેશન લિમિટેડલ્લ તરીકે થઈ હતી પણ તેણે ૩ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજથી પોતાનું નામ બદલીને 'બોમ્બે ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડલ્લ કરી નાખ્યું છે.

 વેબસાઈટ પર લખ્યું છે કે કંપનીનો પ્રાથમિક બિઝનેસસ ઈન્ડસ્ટ્રિયલ ગેસનું ઉત્પાદન અને સપ્લાઈનો હતો, પરંતુ ૧ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજથી તેણે એ બિઝનેસ બંધ કરી દીધો છે. હાલ આ કંપની એનબીએફસી તરીકે  પબ્લિક ડિપોઝિટ્સ સ્વીકારે છે. આર્થિક રોકાણો, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય ફાઈનાન્સિયલ સિક્યોરિટીઝનો તે બિઝનેસ હાલ કરી રહી છે. આરબીઆઈએ પણ જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપ્યું છે તેમાં પણ આ કંપનીનો એનબીએફસી બિઝનેસ હોવાનો ઉલ્લેખ છે,

પરંતુ કેટલાક બજાર નિષ્ણાતો કહે છે કે કંપનીની વેબસાઈટ પર વિગતો મૂંઝવણ સર્જે એવી છે. હજુ પણ કંપનીની વેબસાઈટના 'પ્રોડક્ટલ્લ સેક્શનમાં તે ઓક્સિજન અને અન્ય ઈન્ડસ્ટ્રિયલ ગેસનું ઉત્પાદન કરતી હોવાનું લખેલું છે. આ સેક્શનમાં તેની પ્રોડક્ટ્સ તરીકે હજુ પણ ઓક્સિજન, નાઈટ્રોજન, અર્ગોન, કાર્બન ડાયોક્સાઈડ ગેસીસને દર્શાવેલા છે. જોકે કંપનીના બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પેજ પર તે મુંબઈ સ્થિત એનબીએફસી કંપની હોવાનું જણાવાયું છે.

અગાઉ ૮ એપ્રિલના રોજ બીએસઈ દ્વારા કંપની પાસેથી તેના શેરની કિંમતમાં નોંધપાત્ર મૂવમેન્ટ અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી. ત્યારે કંપની તરફથી જવાબ અપાયો હતો કે કંપનીની કામગીરી અને પર્ફોર્મન્સ અંગેની તમામ જાણકારી નિશ્ચિત સમયગાળામાં હંમેશાં જાહેર કરવામાં આવે છે. અત્યારે કોઈ એવી માહિતી જાહેર કરવાની બાકી રહેતી નથી કે જેનાથી શેરની કિંમતની મૂવમેન્ટને અસર થતી હોય.

(12:00 am IST)