મુખ્ય સમાચાર
News of Sunday, 21st April 2019

આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આધારિત વેબ સિરિઝના પ્રસારણને રોકવા હુકમ

ચૂંટણી પંચે આક્રમક કાર્યવાહી કરી સ્પષ્ટ આદેશ કર્યો : વેબ સિરિઝને રજૂ કરી રહેલા પ્લેટફોર્મને નોટિસ જારી કરીને આદેશ કરાયો ફિલ્મ પીએમ મોદીની રજૂઆત ઉપર પહેલાથી જ પ્રતિબંધ મુકાઈ ચુક્યો છે

નવીદિલ્હી, તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી એક વેબસિરિઝને ચૂંટણી પંચ તરફથી મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરિઝને જારી કરી રહેલા પ્લેટફોર્મ ઇરોસ નાઉને નોટિસ જારી કરીને તેને તરત દૂર કરવા માટેનો હુકમ કર્યો છે. ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું છે કે, અમને એવું ધ્યાન પર આવ્યું છે કે, મોદી-જર્ની ઓફ દ કોમન મેનના પાંચ એપિસોડ આપના પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી તેના ઓનલાઈન સ્ટ્રીનિંગને રોકવા માટેનો અમારો આદેશ છે. ચૂંટણી પંચે આની સાથે સંબંધિત તમામ સામગ્રીને દૂર કરી દેવાનો પણ નિર્દેશ જારી કર્યો છે. આ પહેલા મોદી ઉપર આધારિત બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીની રજૂઆત ઉપર પણ ચૂંટણી પંચે પ્રતિબંધ લાગૂ કરી દીધો છે. ચૂંટણી પંચે એણ પણ કહ્યું છે કે, આવી ફિલ્મ જે કોઇ રાજકીય પક્ષ અથવા વ્યક્તિ માટે સહાયક પુરવાર થાય તેને ઇલેક્ટ્રોનિક મિડિયામાં રજૂ કરી શકાય તેમ નથી. આ ફિલ્મ પ્રથમ તબક્કાના મતદાનના દિવસે એટલે કે ૧૧મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. ચૂંટણી પંચે લાલઆંખ કરીને ભાજપના નમો ટીવીની સામે પણ આક્રમક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, મતદાનથી ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર રોકાય નહીં ત્યાં સુધી નમો ટીવી પર ચૂંટણી સંબંધિત કાર્યક્રમ પ્રસારિત કરી શકાશે નહીં. મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીના નિર્માતા નિર્દેશક કોર્ટમાં રજૂઆત કરી ચુક્યા છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આ ફિલ્મ અંગે નિર્ણય લેવા ચૂંટણી પંચ ઉપર નિર્ણય છોડ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચે આ ફિલ્મ નિહાળી હતી અને આ ફિલ્મને લઇને રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયા છે. પ્રથમ બે તબક્કામાં ૧૮૬ સીટ માટે મતદાન પરિપૂર્ણ થઇ ચુક્યું છે. હવે ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થશે જેમાં મોદીના વતન રાજ્ય ગુજરાતમાં તમામ ૨૬ સીટ પર ઉપર પણ મતદાન થનાર છે.

(12:00 am IST)