મુખ્ય સમાચાર
News of Saturday, 21st April 2018

લોકશાહી ભયમાં: યશવંત સિંહાએ ભાજપ (મોદી) સાથે છેડો ફાડયો

ભાજપને ૨૦૧૯ની ચુંટણી પહેલા મોટો ઝટકોઃ મોદી સરકારના નોટબંધી, જીએસટી અંગેના નિર્ણયને લઇને કર્યા આકરા પ્રહારોઃ લોકતંત્ર ખતરામાં, તેના માટે લડતો રહીશ, BJP સાથે તમામ સંબંધો સમાપ્ત કરૃં છું: સિંહા

નવી દિલ્હી તા. ૨૧ : લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા સિનિયર લીડર અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડી દીધું છે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપની સાથે મારા તમામ સંબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરું છું.

એટલું જ નહીં મોદી સરકારના નોટબંધીના નિર્ણય અને જીએસટી લાગૂ કરવાની રીતને લઇ પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા.

સિન્હાએ આ વર્ષે ૩૦ જાન્યુઆરીના રોજ રાષ્ટ્ર મંચના નામથી એક નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંગઠન બિન-રાજકીય હશે અને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને ઉજાગર કરશે. શનિવારના રોજ કેટલાંય વિપક્ષી નેતાઓ સાથે મીટિંગ કર્યા બાદ યશવંત સિન્હાએ આ નિર્ણય લીધો છે.

ભાજપને ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. ભૂતપૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ ભાજપ સાથે છેડો ફાડયો છે. તેઓએ પટણામાં એ એલાન કરીને પક્ષ અને ચુંટણીની રાજનીતિમાંથી સન્યાસ લીધો છે.

યશવંતે કહ્યું કે, પુત્ર જયંતસિંહા મોદી સરકારમાં મંત્રી છે પરંતુ મેં પહેલા જ ચુંટણીની રાજનીતિ છોડી દિધી હતી. તેઓએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધીને કહ્યું કે, ચુંટણી પંચ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. દરેક એજન્સીઓ સરકારના ઇશારે ચાલી રહી છે. બજેટ સત્રમાં ગતિરોધ કેન્દ્રનું ષડયંત્ર છે.

તેઓએ નોટબંધી માટે આરબીઆઇ અને અરૂણ જેટલીને જવાબદાર ગણાવ્યા. ગુજરાત ચુંટણી માટે શીયાળુ સત્રને ટુંકાવી દેવાયું.(૨૧.૨૧)

(3:11 pm IST)