મુખ્ય સમાચાર
News of Saturday, 21st April 2018

અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને લગ્ન માટે જોઇએ છે ૪પ દિવસના પેરોલઃ જો કે ટાડા કોર્ટે અરજી ફગાવી દીધી

મુંબઇઃ અંડરવર્લ્ડ ડોનને તેની ગર્લફ્રેન્‍ડ કૌસર બહાર સાથે લગ્‍ન કરવા છે અને આ માટે ટાડા કોર્ટ સમક્ષ તેણે ૪પ દિવસના પેરોલ માટેની અરજી કરી હતી. જો કે ટાડા કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

અબુ સાલેમ પોતાની ગર્લફ્રેન્ડ કૌસર બહાર સાથે પાંચમી મેના રોજ નિકાહ કરવા માંગે છે. બાદમાં રિસેપ્શન પણ આપવામાં આવશે. જોકે, ટાડા કોર્ટે આ અંગેની અરજી ફગાવી દીધી છે.

મામલે ડોન અબુ સાલેમની અરજીની એક કોપી મુમ્બ્રા પોલીસ સ્ટેશનને વિરેફિકેશન માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે ડોનની થનારી પત્ની કૌસર અને તેના પરિવારજનોની પૂછપરછ કરી છે. કૌસરની પૂછપરછમાં એ વાત સાચી ઠરી છે કે અબુ સાલેમ પાંચમી મેના રોજ પેરોલ પર બહાર આવીને નિકાહ કરવા માંગે છે.

કૌસર બહાર વ્યવસાયે વકીલ છે. સાલેમે તેની સાથે લગ્ન કરવા માટે ટાડા કોર્ટને અરજી આપી હતી, જેને કોર્ટે રદ કરી નાખી છે. કોર્ટમાં ક્રાઇમ બ્રાંચે કહ્યું કે તે અબુ સાલેમને લગ્ન કરવા માટે પેરોલ ન આપી શકે, કારણ કે આનાથી તેની સુરક્ષા પર ખતરો ઉભો થઈ શકે છે.

ડોન અબુ સાલેમની પ્રેમ કહાણી વર્ષ 2014માં સામે આવી હતી. ફેક પાસપોર્ટ કેસમાં કોર્ટમાં રજુ કરવા માટે લઈ જતી વખતે તેણે ટ્રેનમાં જ ફોન પર નિકાહનામુ વાંચીને લગ્ન કર્યા હતા. ટાડા કોર્ડે આ કેસ સામે આવ્યા બાદ તપાસના આદેશ કર્યા હતા. બાદમાં થાણે ક્રાઇમ બ્રાંચે આનો રિપોર્ટ બંધ કવરમાં સોંપ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ક્રાઇમ બ્રાંચને અબુ સાલેમ અને કૌસર બહારના લગ્નના કોઈ પુરાવા નથી મળ્યા.

આના થોડા દિવસ બાદ કૌસર બહારે ટાડા કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું હતું કે અબુ સાલેમ સાથે તેનું નામ જોડાઈ ચુક્યું છે. હવે તે પોતાની સામાજિક પ્રતિષ્ઠાને બચાવવા માટે અબુ સાલેમ સાથે લગ્ન કરવા માંગે છે. જો આવું નહીં થાય તો બદનામ થવાના ડરે તે આત્મહત્યા કરી શકે છે.

કૌસરના આવા નિવેદન બાદ અબુ સાલેમે પણ તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી. આ માટે તેણે ટાડા કોર્ટમાં અરજી દાખલ કરીને સ્પેશ્યલ મેરેજ એક્ટ અતંર્ગત લગ્ન કરવાની મંજૂરી માંગી હતી. ક્રાઇમ બ્રાંચે સુરક્ષા વ્યવસ્થાનું કારણ આગળ ધરીને અરજીનો વિરોધ કર્યો હતો. જેના બાદમાં ટાડા કોર્ટે અબુ સાલેમ અને કૌસર બહારની લગ્નની અરજી ફગાવી દીધી હતી.

નોંધનીય છે કે અબુ સાલેમને 1993ના બોમ્બ બ્લાસ્ટમાં ઉમરકેદની સજા મળી ચુકી છે. જ્યારે બિલ્ડર પ્રદીપ જૈનની હત્યામાં તેને 10 વર્ષની સજા મળી છે. આ ઉપરાંત અબુ સાલેમ પર દિલ્હીમાં અશોક ગુપ્તા પાસેથી ખંડણી વસૂલવાનો અને ફેક પાસપોર્ટનો કેસ ચાલી રહ્યો છે.

(5:06 pm IST)