મુખ્ય સમાચાર
News of Tuesday, 21st March 2023

પાકિસ્‍તાનમાં લોકોની ભૂખ કાબૂ બહારઃ અનાજ ભરેલી ટ્રકમાં લૂંટ

પાકિસ્‍તાની રાજધાની ઇસ્‍લામાબાદનો અનાજની લૂંટ ચલાવતા હોવાનો બોલતા પુરાવારૂપ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યા છે

ઇસ્‍લામાબાદ, તા.૨૧: દુશ્‍મન દેશ પાકિસ્‍તાન છેલ્લા કેટલાય સમયથી ભૂખમરાનો સામનો કરી રહ્યો છે.  આ દેશને ચીનના સાથ મળ્‍યો હોવા છતાં પણ તેની આર્થિક સ્‍થિતિમાં સુધારો આવતો નથી અને તે ભયંકર ભૂખમરામા સપડાયો છે. દિવસેને દિવસે હાલત ખરાબ બની જઈ રહી છે ત્‍યારે આઈ એમ એફ દ્વારા પણ મળતી મદદ અટકી ગઈ હોવાથી લોકોની ભૂખ બેકાબુ બની છે અને આ અંગેના બોલતા પુરાવારૂપ સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જે નિહાળી અને હાલ પાકિસ્‍તાનની સ્‍થિતિનો તાગ મેળવી શકાય છે..

ઇતિહાસની સૌથી મોટી કહી શકાય તેવી આર્થિક ભીંસ ભોગવતા પાકિસ્‍તાનનો વિડિયો સામે આવ્‍યો છે. જેમાં દ્રશ્‍યમાન થઈ રહ્યું છે કે પોતાના પરિવારની ભૂખ સંતોષવા માટે લોકો અનાજની રીતસર લૂંટ મચાવી રહ્યા છે. બીજી તરફ દેશમાં મોંઘવારી પણ ચરમશીમાએ પહોંચી ગઈ છે જેથી લોકો ટ્રકને લૂંટતા નજરે પડી રહ્યા છે એટલુ જ નહીં મહિલા પણ આ લૂંટમાં સામેલ હોવાનું દેખાઈ રહ્યું છે.

વીડિયોમાં દ્રશ્‍યમાન થઈ રહ્યું છે કે અનાજથી ભરેલા ટ્રકને લોકોએ કબજે કરી લીધો હતો અને અનાજની ગુણોને રસ્‍તા વચ્‍ચે ફેંકી લૂંટ ચલાવી રહ્યા હતા. જે અનાજ હડપ કરી જવા માટે પુરુષ અને મહિલાઓ રસ્‍તા વચ્‍ચે આડેધડ ઝપાઝપી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો પાકિસ્‍તાની રાજધાની ઇસ્‍લામાબાદનો હોવાનો જાણવા મળી રહ્યું છે. જેમાં સ્‍પષ્ટ નજરે પડે છે કે કંગાળ દેશ પાકિસ્‍તાનમાં હવે લોકોની થાળીમાંથી રોટી પણ ગાયબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આગે અગાઉ પણ અનેક વિડીયો સામે આવ્‍યા હતા.

(11:25 am IST)