મુખ્ય સમાચાર
News of Thursday, 21st March 2019

પોરબંદરથી હરિદ્વાર જતા પદયાત્રિકો પર રાજસ્થાનમાં કાળમુખો ટ્રક ફરી વળતા ત્રણ મહિલાઓ સહીત ચારના કરૂણમોત : છ લોકોને ઇજા

જિલ્લાના 15 સિનિયર સીટીઝનો દેશમાં અમન અને શાંતિની કામના માટે પોરબંદરના સુદામા ચોકથી નીકળ્યા હતા :રાજસ્થાનના પુલવા નજીક અજાણ્યા ટ્રકે અડફેટે લીધા

પોરબંદરથી હરદ્વાર જતા પદયાત્રિકો પર રાજસ્થાનમાં કાળમુખો ટ્રક ફરી વળતા ત્રણ મહિલા સહીત ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે છ લોકોને ઈજ પહોંચી છે

આ અંગે મળતી વિગત મુજબ  પોરબંદર જિલ્લાના 15 સિનિયર સિટીઝનો દેશમાં અમન અને શાંતિના સંદેશા સાથે પોરબંદરથી હરિદ્વાર 1700 કિમીની પદયાત્રાએ 6 માર્ચના રોજ પોરબંદરના સુદામા ચોકથી નીકળ્યા હતા. ગઇ કાલે સાંજે આ પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક અજાણ્યો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે 4ના મોત થયા હતા અને 6ને ઇજા પહોંચતા તેઓને પ્રથમ રાજસ્થાન હોસ્પિટલ અને વધુ સારવાર માટે બેને અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

  મૃતકમાં કુતિયાણાના અમર ગામના ધાનીબેન ચનાભાઇ ભૂતિયા (ઉ. 80), જાહીબેન રાજશીભાઇ મોઢવાડીયા (ઉ.65), કિંદરખેડા ગામના લીરીબેન લખમણભાઇ મોઢવાડિયા (ઉ.65) અને રાજાભાઇ નાથાભાઇ મોઢવાડિયા (ઉ.60)નો સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ આ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા દર વર્ષે 1 હજાર કિમીની પદયાત્રા અલગ અલગ સ્થળોએ યોજવામાં આવે છે. આ વર્ષે પોરબંદરથી હરિદ્વાર સુધીની પદયાત્રાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા યાત્રાના રૂટમાં આવતી હોટલ કે ધર્મશાળામાં રોકાવાને બદલે જમીન પર જ હાથે રસોઇ બનાવી આગળ વધે છે. હરિદ્વાર સુધીની પદયાત્રામાં પુંજાભાઇ નાગાભાઇ સુંડાવદર સામાન સાથે ટ્રેક્ટર લઇ જોડાયા છે. આ સિનિયર સિટીઝનોએ 800 કિલોમીટરની યાત્રા પૂર્ણ પણ કરી ચૂક્યા હતા.

(1:26 pm IST)