મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

અમરનાથ યાત્રાની બસના ડ્રાઈવરો માટે બુલેટપ્રુફ જેકેટ ફરજીયાત

રાજ્ય સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન : ટૂર ઓપરેટરોએ નિર્ણય ગેરવાજબી ગણાવી કર્યો વિરોધ : અમુક ઓપરેટરો આ વર્ષે યાત્રાનું આયોજન નહી કરે

વડોદરા, તા. ૨૧ :. અમરનાથ યાત્રાળુઓ પર આતંકવાદી હુમલાઓની ઘટનાઓના પગલે સુરક્ષાના હેતુથી રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને અમરનાથ બસ ચાલકો તથા કંડકટરો માટે બુલેટપ્રુફ જેકેટ ફરજીયાત કરાવેલ છે. આ ઉપરાંત ડ્રાઈવરની ઉંમર ૫૦ અને તે અગાઉ અમરનાથયાત્રાની બસ લઈને જઈ આવ્યો હોવો જોઈએ. તેણે ખાસ તાલીમ પણ લેવી પડશે. ટૂર ઓપરેટરોએ નવી ગાઈડલાઈનને ગેરવ્યાજબી ગણાવી વિરોધ કર્યો છે.

સરકારની નવી ગાઈડલાઈન મુજબ હવે આર.ટી.ઓ.ની પરમીશન તથા અમરનાથયાત્રા સાઈન બોર્ડની મંજુરી હોય તેને જ પરમીટ અપાશે. એન.આઈ.સી. પોર્ટ ઉપર ઓનલાઈન વિગતો અપલોડ કરવી પડશે. બસના ડ્રાઈવરની ઉંમર ૫૦થી વધુ ન હોવી જોઈએ અને બસ આઠ વર્ષથી વધુ જૂની ન હોવી જોઈએ. યાત્રાળુની ઉંમર ૧૩થી ઓછી નહી અને ૭૫થી વધુ ન હોવી જોઈએ.

વલસાડના અમરનાથ યાત્રી ઉપર ગત વર્ષે થયેલા હુમલા બાદ આતંકવાદી હુમલા ગુજરાત રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જારી કરી છે.

આ મુજબ ડ્રાઈવર અગાઉ અમરનાથયાત્રાઓને લઈને અમરનાથ ગયો હોવો જોઈએ. ૧૫ મે ની આસપાસ ડ્રાઈવર કંડકટરોની ટ્રેનીંગ યોજવી પડશે. આ તાલીમ વખતે પોલીસ, રેવન્યુ, ફુડ એન્ડ ડ્રગ અધિકારીઓ હાજર રહેશે.

રાજ્ય સરકારની કડક ગાઈડલાઈનના પગલે ટૂર ઓપરેટરોમાં નારાજગી ફેલાય છે. અમુક ઓપરેટરો આ વર્ષે યાત્રાનુ આયોજન નહી કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે માત્ર વડોદરામાંથી જ દર વર્ષે ૫૦ થી ૬૦ બસ અમરનાથ યાત્રાએ જાય છે.

(11:17 am IST)