સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન રણવીર સિંહ સાથે ફિલ્મમાં કામ કરશે
મુંબઇઃ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન કેદારનાથ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે. તેની પહેલી ફિલ્મનું શૂટિંગ હજી તો પત્યું નથી અને તેને બીજી ફિલ્મ મળી ગઈ છે.
રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મ સિંબા માટે રણવીર સિંહ સાથે સારાને સાઈન કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીરની સાથે કોણ કો-સ્ટાર હશે તેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.
થોડાક સમય પહેલા સિંબાનું પહેલું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યુ હતું જેમાં રણવીર સિંહનો અંદાજ જોઈને ફેન્સની આતુરતા વધી ગઈ હતી. હવે સારા જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ છે તો પડદા પર બન્નેની જોડી જામશે કે નહીં તે જોવાની વાત છે.
ફિલ્મમાં રણવીર સિંહ એક બદમાશ પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે, જેનું નામ સંગ્રામ ભાલેરાવ હશે. સારા-રણવીરની જોડી ફ્રેશ હશે. આ સિવાય કરણ જોહર અને રોહિત શેટ્ટી પણ પહેલીવાર સાથે કામ કરશે. કરણ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી રહ્યો છે.
આ પહેલા કહેવામાં આવી રહ્યુ હતું કે ફિલ્મમાં રણવીર સાથે વિંક ગર્લ પ્રિયા પ્રકાશને કાસ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય રણવીર ફિલ્મમાં દીપિકાને લેવા માંગતો હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા હતા. જો કે હવે આ બધી જ અટકળોનો અંત આવ્યો છે.