મુખ્ય સમાચાર
News of Friday, 21st February 2020

ચીનનું અર્થતંત્ર પણ સંકટમાં : ત્રણ મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટ સ્થગિત કરવાનો નિર્ણય

30 જૂન સુધી કોઈ ફ્લાઈટ ચીન નહીં જાય: ભારત આવનારી ફ્લાઈટ્સ રદ્દ

નવી દિલ્હી : કોરોનાને કારણે ચીન હચમચી ગયું છે ત્યાં બીજી તરફ વિવિધ દેશોનું વલણ ચીન તરફી કડાઈ ભર્યું બની રહ્યું છે. કોરોનાનો ખતરો હવે ફક્ત ચીન પૂરતો સીમિત ના રહેતા વિશ્વભરના દેશોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા દેશોએ ચીન આવાગમનની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. કોરોના વાયરસના ભયને જોતા ભારતની સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ ચીન જતી તેની ફ્લાઇટ્સને વધુ 3 મહિના માટે સ્થગિત કરી દીધી છે. એટલે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ જૂનના અંત સુધી ચીન જશે નહીં.

ગુરુવારે એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, 'શાંઘાઈ અને હોંગકોંગની ફ્લાઇટ્સ 30 જૂન સુધી રદ કરવામાં આવી છે.' જોકે એર ઇન્ડિયા અને હોંગકોંગ વચ્ચે દરરોજ એક ફ્લાઇટ જાય છે, જ્યારે દિલ્હી અને શાંઘાઇ વચ્ચે અઠવાડિયામાં 6 વાર ઊડાન ભરે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોએ દિલ્હી-ચેંગ્ડુ, બેંગલુરુ-હોંગકોંગ અને કોલકાતા-ગુઆંગઝુ ફ્લાઇટ્સ રદ કરી છે.

હોંગકોંગના ફ્લેગ કેરીઅર કેથે પેસિફિક દ્વારા 20 માર્ચ, 2020 સુધીમાં ભારત આવનારી ફ્લાઈટની સંખ્યા 49 થી ઘટાડીને 36 કરી દીધી છે. ઓછી થતી મુસાફરીની માંગની વચ્ચે ફ્લાઇટ્સમાં થતો રોજનો ઘટાડો આ સિવાયનો છે. ચાઇનીઝ કેરિયર્સ વિશે વાત કરવામાં આવે તો શેંડોગ એરલાઇન્સ અને એર ચાઇનાએ પણ ભારત આવનારી ફ્લાઇટ્સ રદ કરી છે.

(12:15 pm IST)