મુખ્ય સમાચાર
News of Thursday, 21st February 2019

પાકિસ્તાનનાં ઘરમાં ઘુસી સટાસટી બોલાવવાની તૈયારી પૂરી

આર્મીને માત્ર લીલીઝંડીની રાહઃ એલઓસી પર મોટી કાર્યવાહીની જોરશોરથી તૈયારીઃ સર્જિકલ સ્ટ્રાઈકથી પણ મોટી કાર્યવાહી હશેઃ દળો ઠલવાયાઃ પેલે પાર ત્રાસવાદીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા

જમ્મુ, તા. ૨૧ :. પાકિસ્તાનને સબક શીખવવા માટે સૈન્ય સંપૂર્ણપણે તૈયાર છે. બસ એલઓસી પર તહેનાત જવાનો ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. રાજોરી, પુંછ પાસેના પીઓકેમાં કોટલી, મીરપુર, કુરેટા પર મોટી કાર્યવાહીની તૈયારીઓ સૈચએ કરી લીધી છે. જ્યારે, પાકિસ્તાની સૈન્યએ પણ પોતાની સૈન્ય શકિત આ વિસ્તારમાં વધારી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે, ભારતીય સેના પાકિસ્તાનના ઘરમાં ઘુસીને મોટી કાર્યવાહી કરશે.

આના માટે ગુપ્તચર તંત્રને પણ સક્રિય કરી દેવાયું છે. આ વખતે સર્જીકલ સ્ટ્રાઈકથી પણ મોટી કાર્યવાહી થશે. ભારતીય સૈન્ય આ વખતે શું કરશે ? તે તો અત્યારે સૈન્યને જ ખબર છે. એલઓસી પર સૈન્ય બળ વધારી દેવાયું છે, પણ સરહદની પેલી તરફ આતંકવાદી ગતિવિધિઓ બંધ થઈ ગઈ છે.

સૈન્યની તૈયારીઓનો ભય પાકિસ્તાની સૈન્ય અને ત્યાં છુપાયેલા આતંકવાદીઓમાં પણ પેદા થયો છે. રાજોરી અને પુંછ જીલ્લાની નજીકના પીઓકેમાં પાકિસ્તાની સૈન્યની ૧૨૦ ફોરવર્ડ પોસ્ટ છે. પાકિસ્તાની સેનાએ ચીનની મદદથી એલઓસી પર કોંક્રીટના લગભગ ૩૦ બંકરો બનાવ્યા છે. આ બંકરોમાં પાકિસ્તાની સૈનિકોની સાથે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમદના આતંકવાદીઓ પણ તહેનાત રહે છે, જે કાયમ બેટ હુમલા અને સ્નાઈપર હુમલા માટે તૈયાર રહે છે.

આ બધા અત્યારે બંકર છોડીને પાછળ ભાગી ગયા છે. એલઓસી પાસે વિરપુર વિસ્તારમાં બનેલી મસ્જીદોમાં પણ ઘણા આતંકવાદીઓ રહેતા હતા. તેઓ પણ ત્યાંથી ભાગી ગયા છે. પાકિસ્તાની સૈન્યએ પોતાની પોસ્ટો પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

સૂત્રોનું એવું પણ કહેવું છે કે પીઓકેના કોટલીમાં બનેલ આતંકવાદી કેમ્પમાંથી આતંકવાદીઓને હટાવી લેવાયા છે. આ આતંકવાદીઓને પાકિસ્તાની સેનાએ પોતાના હેડ કવાર્ટરમાં જગ્યા આપેલી છે.

(10:02 am IST)