મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

બાયડન પ્રશાસનમાં પાકિસ્તાનનો રૂત્બો ઘટશે કે વધશે મહત્વ ?

બાયડને અમેરિકી રાષ્ટ્રપતિ પદે સતા સંભાળતા જ ટ્રમ્પના ફેંસલા પલ્ટાવવાની શરૂઆત કરી દીધી છેઃ ઓબામા કાળમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે બાયડને પાકિસ્તાનની સતાવાર મુલાકાત લીધી હતીઃ ત્યારે બંન્ને દેશો વચ્ચે સંબંધો ખુબ સારા હતા

નવી દિલ્હી, તા.,ર૧: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાયડને પદ સંભાળતાની સાથે જ પાકિસ્તાન અને ચીનને લઇને તેમની નીતિઓ કેવી રહેશે તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જો કે પદ સંભાળતાની સાથે જ પાકિસ્તાનને લઇને તેમણે કહયું કે, આતંકવાદ ઉપર પાકિસ્તાને લગામ કસવા માટે ઠોસ કાર્યવાહી કરવી જોઇએ. તેમને જણાવી દઇએ કે પુર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ આ બારામાં  ખુબ અલગ હતી. તેમણે પાકિસ્તાન સામે આક્રમક રૂખ અપનાવ્યું હતું. બાયડનની પાકિસ્તાન સંદર્ભની ભાવી નીતિઓ બારામાં એક જાણકાર પ્રોફેસર એ.કે.પાસાએ કહયું કે, તેમની નીતિઓ ટ્રમ્પથી ઘણી બધી અલગ હશે. તેઓ માને છે કે અફઘાનિસ્તાનમાં  કદમ વધારવા અને તાલીબાનને કંટ્રોલ કરવા માટે અમેરિકાને પાકિસ્તાનના સાથની જરૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વખતે વધેલી અમેરીકા-પાકિસ્તાન વચ્ચેની દુરી હવે ઘટી જશે. અમેરીકાનુ માનવું છે કે સમગ્ર ક્ષેત્રમાં પોતાના લક્ષ્યોની પુર્તી માટે પાકિસ્તાનનો સહયોગ આવશ્યક છે. પ્રોફેસર પાસાનું માનીએ તો ટ્રમ્પ શાસનમાં પાકિસ્તાન ઉપર જેવી રીતે પાબંધીઓ લગાવાઇ હતી તે બાયડન પ્રશાસનમાં ઓછી થશે કે ખત્મ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, ઓબામાના કાર્યકાળ વખતે જયારે બાયડન ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે અમેરિકા-પાકિસ્તાન વચ્ચે સંબંધો ઘણા સારા હતા. એ વખતે પાકિસ્તાનને દરેક મોરચે અમેરીકાનો સાથ મળ્યો હતો. તે વખતે બાયડને ઉપરાષ્ટ્રપતિ તરીકે પાકિસ્તાનની સતાવાર યાત્રા પણ કરી હતી. એક્ષપર્ટ માને છે કે જો બાયડનની પોલીસી પાકિસ્તાનને લઇને પહેલા જેવી રહેશે તો આ ક્ષેત્રમાં સ્થિરતા માટે સારૂ નહી હોય.

(3:49 pm IST)