મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

ટ્રમ્પની વિદાય વેળાએ અમેરિકામાં કોરોના રોગચાળાનો મરણાંક ચાર લાખને પાર

ટ્રમ્પ પ્રશાસનની કોરોના રોગચાળાને મેનેજ કરવાની પધ્ધતિ ઘણા ટીકા પ્રહારોનો ભોગ બની ચૂકયું છે

વોશીંગ્ટન, તા.૨૧: અમેરિકાના પ્રમુખપદેથી રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય અને ડેમોક્રેટિક પાર્ટીના વિજેતા ઉમેદવાર જો બાઇડને સત્તાના સૂત્રો સંભાળ્યા એ વેળાએ એ દેશમાં કોરોના ઇન્ફેકશનના દરદીઓનો મરણાંક ચાર લાખને પાર કરી ગયો છે. ટ્રમ્પ પ્રશાસનની કોરોના રોગચાળાને મેનેજ કરવાની પધ્ધતિ ઘણા ટીકા પ્રહારોનો ભોગ બની ચૂકયું છે.

જોન હોપકિન્સ યુનિવર્સિટીના અંદાજ મુજબ ૪,૦૦,૦૦૦થી ઉપરનો આ મરણાંક બીજા વિશ્વ યુધ્ધમાં માર્યા ગયેલા અમેરિકનો જેટલો છે. આ આંકડો અમેરિકાના તુલસા, ઓકલોહામા, થામ્પા, ફ્લોરિડા અથવા ન્યુ ઓર્લીન્સની કુલ વસતી જેટલો ગણી શકાય. રોગચાળામાં અમેરિકનોના મરણનો આંકડો વર્ષ ૧૯૬૯ના ઓગસ્ટ મહિનામાં ન્યુયોર્કના બેથેલમાં યોજાયેલા ઐતિહાસિક વુડ સ્ટોક મ્યુઝિક ફેસ્ટિવલમાં એકઠી થયેલી જનમેદની જેટલો પણ ગણી શકાય. વર્ષ ૨૦૧૯માં સ્ટ્રોક, અલ્ઝાઇમર્સ, ડાયાબિટિસ, ફ્લુ અને ન્યુમોનિયાથી ૪,૦૯,૦૦૦ અમેરિકનો માર્યા ગયા હતા. અમેરિકામાં વેકિસન્સ આવ્યા છતાં વાઇરસ પર નિયંત્રણ શકય બનતું નથી. એ સંજોગોમાં આવતા મે મહિનાની પહેલી તારીખ સુધીમાં કોરોનાનો મરણાંક ૫,૬૭,૦૦૦ની નજીક પહોંચવાનો અંદાજ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટને બાંધ્યો છે.

(3:15 pm IST)