મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

આવું ચાલશે તો ભારત કઇ રીતે જંગ જીતશે?

અનેક રાજ્યોમાં કોરોના રસીનો ડોઝ બરબાદ થઇ રહ્યો છે : ભયથી લોકો આગળ નથી આવતા

પસંદ કરાયેલ લોકોમાંથી માત્ર ૫૫ ટકાએ જ મુકાવી રસી

નવી દિલ્હી તા. ૨૧ : ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલુ છે પણ કેટલાક રાજ્યોએ જણાવ્યું છે કે, તેમને ત્યાં પુરતા પ્રમાણમાં હેલ્થ વર્કરો રસી મુકાવવા નથી આવી રહ્યા જેના કારણે રસીના ડોઝ ખરાબ થઇ રહ્યા છે. ગઇકાલે ઓછામાં ઓછા છ રાજ્યોના અધિકારીઓએ કહ્યું કે, કોરોનાની રસીના ડોઝ બેકાર બની રહ્યા છે કેમકે લોકો નથી આવતા.

દેશમાં સતત કેટલાય રાજ્યો હિચકિચાટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ માટે ભારતની શરૂઆત દુનિયામાં સૌથી મજબૂત શરૂઆતોમાંની એક રહી છે. કોઇપણ અનય દેશની તુલનામાં ભારતમાં રસી પહેલા દિવસે વધારે લોકો સુધી પહોંચી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, ૧૬ જાન્યુઆરીએ લોન્ચ થયા પછી બુધવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭,૮૬,૮૪૨ લોકોને રસી આપી દેવાઇ છે. પણ હજુ પણ તે નક્કી કરાયેલ લોકોના ૫૫ ટકા છે. દરરોજ પ્રત્યેક સત્રમાં ૧૦૦ લોકોને પસંદ કરવામાં આવે છે અને બોલાવવામાં આવે છે અને તેમાંથી સરેરાશ ૪૫ ટકા લોકો રસી મુકાવવા નથી આવતા. મહારાષ્ટ્ર, તમિલનાડુ, હરિયાણા, બિહાર અને આસામના અધિકારીઓએ કહ્યું કે, રસીની શીશી ખોલ્યા પછી ૪ કલાકમાં તેનો ઉપયોગ કરી નાખવો પડે છે અને દરેક શીશીમાં ૧૦ (કોવીશીલ્ડ) અથવા ૨૦ (કોવેકસીન) ડોઝ હોય છે. એટલે પુરતા પ્રમાણમાં રસી મુકાવનાર ન આવે તો તે શીશી નકામી થઇ જાય છે.

દિલ્હીમાં અધિકારીઓના અનુમાન અનુસાર પુરતા રસી મુકાવનારા ન મળવાના કારણે માત્ર રાજધાનીમાં જ ૧૦૦૦ જેટલા ડોઝ બેકાર બની ગયા હતા.

(11:07 am IST)