મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

કોરોનાના કારણે બેકારી અને ખાદ્ય પદાર્થના ભાવ વધતા એશિયામાં ૩૫ કરોડ લોકો પર ભુખમરાનું સંકટ

૧.૯ અબજ લોકો આરોગ્યપ્રદ ભોજન ખરીદી શકતા નથી : વિશ્વમાં ૬૮.૮ કરોડ લોકો કુપોષિત : અફઘાનિસ્તાનમાં દસ પૈકી ચાર જણા કુપોષિત

યુએન તા. ૨૧ : કોરોના વાઇરસે લોકોના રોજગાર છીનવી લેતા અને ખાદ્ય પધાર્થોના ભાવમાં વધારો થવાના કારણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ૩૫ કરોડ કરતાં પણ વધુ લોકોને ભુખ્યા રહેવું પડશે, એવી યુએન એ ચેતવણી આપી હતી. ચાર એજન્સીઓ દ્વારા આજે જારી કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ૧.૯ અબજ લોકો આરોગ્યપ્રદ ખાદ્ય ખરીદી શકતા નથી. અગાઉ એજન્સીએ એવો અહેવાલ રજૂ કર્યો હતો કે આવી કટોકટીના કારણે૮૨.૮ કરોડ લોકોને  ભુખમરાનો સામનો કરવો પડશે.

એજન્સીઓના છેલ્લા અંદાજ અનુસાર, આખા વિશ્વમાં ૬૮.૮ કરોડ લોકો કુપોષિત હતા જેમાં અર્ધા કરતાં વધારે એશિયામાં હતા. દક્ષિણ એશિયન દેશોમાં સૌથી વધારે સ્થિતિ અફઘાનિસ્તાનની હતી જયાં દસ દસ પૈકી પૈકી ચાર કુપોષિત હતા. આ અંદાજ મોટા ભાગે ૨૦૧૯ની વસ્તીના આધારે કરાયો હતો,પરંતુ એવો પણ અંદાજ મૂકવામાં આવ્યો હતો કે  લોકડાઉન અને વાઇરસના કારણે વધારાના ૧૪ કરોડ લોકો વર્ષ ૨૦૨૦માં અત્યંત ગરીબાઇમાં ફેંકાઇ જશે.

સૌથી મહત્ત્વનો પરિબળ હતો ખાદ્ય ખરીદવાની ક્ષમતા. આ સમસ્યા જાપાન જેવા સમૃધ્ધ દેશથી લઇ ઇસ્ટ તિમુર અને પપુઆ ન્યુ ગીની જેવા અત્યંત પછાત અને ગરીબ દેશોમાં સરખી હતી.લોકડાઉન અને કોરોના ના કારણે ગુમાવેલી નોકરી પરિવારોને અન્ય જગ્યાએ જમવા જવાથી રોકે છે, એમ યુએન ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ અને વર્લ્ડ ફુડ પ્રોગ્રામ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.

ભારતમાં પુરવઠાની ચેનમાં કોરોના અને લોકડાઉનના કારણે આવેલા અવરોધે જરૂરતમંદો સિધી અનાજ પહોંચાડવામાં વિઘ્ન નાંખ્યા હતા. વાહન વ્યવહાર ઠપ થઇ જતાં અનાજનો જથ્થો એક જગ્યાથી બીજી જગ્યા મોકલી શકાયો ન હતો. દિવસે મજુર કરનાર અને પ્રવાસી મજુરો પર સૌથી વધુ અસર પડી હતી.એક દાયકા જુના વસ્તીના આંકડાઓના આધારે આવા પ્રોગ્રામ કરાતા હોવાથી અનેક ગરીબ અને શહેરી પરિવોરો લાભ લઇ શકતા નથી.આખા એશિયામાં ફળ અને શાકભાજીના ભાવમાં ખુબ વધારો થયો હતો.

 ઓછી આવક ધરાવતા પરિવારો માટે શાકભાજી ખરીદવી મુશ્કેલ બન્યું હતું. નવેમ્બરમાં લગભગ છ વર્ષમાં પહેલી જ વાર ખાદ્ય પધાર્થોના ભાવ આકાશને આંબતા હતા.

(10:10 am IST)