મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

બિડેન એકશન મોડમાં: આવતા જ ટ્રમ્પના ૮ નિર્ણયો પલ્ટાવ્યાં

અમેરિકામાં ૧૦૦ દિવસ માટે માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવ્યું: કલાઈમેટ ચેન્જના મામલે અમેરિકાની વાપસીઃ ડબલ્યુએચઓમાંથી હટી જવાનો ફેંસલો અટકાવ્યો : ટ્રમ્પ પ્રસાશને જે મુસ્લિમ દેશોમાં પ્રતિબંધ ફરમાવ્યો હતો તેને પરત લીધોઃ બોર્ડર પર દિવાલ બનાવવાનો ફેંસલો અટકાવ્યોઃ ફન્ડીંગ પણ અટકાવ્યું: રંગભેદને સમાપ્ત કરવા પણ એલાન

વોશિંગ્ટન, તા. ૨૧ :. અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ જો બિડેને પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પના ફેંસલાઓને પલ્ટાવવાના આદેશો જારી કર્યા છે. તેમણે ગઈકાલે એક સાથે અનેક કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં એક તરફ પ્રવાસીઓને રાહત આપવામાં આવી છે તો અનેક મુસ્લિમ દેશો સાથે યાત્રા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ પણ હટાવી લીધો છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખવામાં આવતા બિડેને દેશભરમાં માસ્કને ફરજીયાત બનાવી દીધુ છે. સાથોસાથ મેકસીકોની સીમા પર બનતી વાડના પૈસાને પણ અટકાવી દીધા છે. આવતાની સાથે જ બિડેને ટ્રમ્પના ૮ ફેંસલાઓ પલ્ટાવ્યા છે.

બિડેને પેરીસ જળવાયુ સમજુતીમાં ફરીથી સામેલ થવાની મંજુરી આપી છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાથી અમેરિકા હટી ગયુ તેને પણ અટકાવી દીધુ છે. તેમણે કુલ ૧૫ કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે આજે જે કેટલાક કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યો છું તે કોરોના સંકટમાંથી બચાવવામાં મદદ કરશે. આપણે જળવાયુ પરિવર્તનથી એવી રીતે નીપટશુ જે રીતે આપણે પહેલા કદી ન નિપટયા હોય. સાથોસાથ આપણે બધા વંશના લોકો વચ્ચે એકતા પર કામ કરશું. તેમના આ આદેશ બાદ અમેરિકામાં ૧૦૦ દિવસ માટે માસ્ક ફરજીયાત બની ગયુ છે. બિડેને ટ્રમ્પના ફેંસલાને પલ્ટાવતા મુસ્લિમો પરથી પ્રતિબંધો હટાવ્યા છે. ૨૦૧૭માં ટ્રમ્પે ૭ મુસ્લિમ બહુમતી દેશો પર આ પ્રતિબંધ લાદ્યો હતો.

બિડેને સામાન્ય લોકોને મોટાપાયે આર્થિક મદદ આપવાનું એલાન પણ કર્યુ હતું. તેમણે જે જે આદેશો જારી કર્યા છે તે માટે તેમણે ચૂંટણી વચન પણ આપ્યા હતા.

આ મોટા નિર્ણયો સિવાય એક ખાસ વાત એ જોવા મળી કે અમેરિકાની વિદેશનીતિમાં પણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. અહીં અમેરિકી દૂતાવાસે ટ્વીટર હેન્ડલના નામને બદલ્યું છે. પહેલા તેનું નામ ઈઝરાયલમાં અમેરિકી રાજદૂત હતુ હવે તેને બદલીને ઈઝારાયલ, ગાઝા અને વેસ્ટ બેંકમાં અમેરિકી રાજદૂત રખાયું છે. સ્પષ્ટ છે કે ટ્રમ્પ પ્રશાસને પહેલા ઈઝરાયલી સ્થાનની માન્યતા આપી હતી અને પછી નિઝામ બદલાતા પરિણામ પણ બદલાયુ હતું.

૧. કોરોના મહામારીને કંટ્રોલ કરવા લીધેલા નિર્ણય

૨. સામાન્ય લોકોને મોટા પ્રમાણમાં આર્થિક મદદ કરવાનો નિર્ણય

૩. પેરિસ કલાઈમેટ ચેન્જ મુદ્દા પર અમેરિકાની વાપસી

૪. નસ્લભેદને દૂર કરવાના નિર્ણય

૫. બોર્ડર પર દિવાલ બનાવવાના નિર્ણય પર રોક, ફંડિંગ પણ રોકવામાં આવ્યું

૬. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અલગ થવાના નિર્ણય પર રોક

૭. જે મુસ્લિમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેને પરત લીધો.

૮. વિદ્યાર્થીઓની લોનના હપ્તા પરત આપવાનું સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યું

(10:07 am IST)