મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

એમેઝોન પરથી આવેલા છાણા બિસ્કિટ સમજીને ખાઈ લીધા

ઓનલાઈન ખરીદીમાં ગ્રાહક ભેરવાયા : ઓનલાઈન મગાવેલા છાણ ખાઈ ગયેલી વ્યકિતએ તેના રિવ્યૂમાં જણાવ્યું કે ખાધા પછી તેના હાલ કેવા થયા હતા

નવી દિલ્હી, તા. ૧૮ : એક સમય એવો હતો કે કોઈ વસ્તુ લેવા જવી હોય તો તેના માટે લાંબું અંતર કાપવું પડતું હતું, આજે શહેરોના વિકાસ વચ્ચે સમય એવો આવ્યો છે કે સામાન્ય રીતે ઓછી જરુર પડતી વસ્તુઓ શોધવી મુશ્કેલ બની જતી હોય છે. આવામાં ઈન્ટરનેટ અને ઓનલાઈન શોપિંગના કારણે ઘણી બાબતો સરળ બની છે. પરંતુ જે વસ્તુથી ફાયદો થતો હોય તેના કેટલાક પાસા નુકસાન કરાવનારા પણ હોય જ છે. આવું જ એક ઓનલાઈન ખરીદ કરનારી વ્યક્તિ સાથે બન્યું છે. જેમાં વ્યક્તિએ ઓનલાઈન છાણા મંગાવ્યા પછી તેની સાથે દાવ થઈ ગયો છે.

સામાન્ય રીતે આપણે ગામડામાં કે શહેરના છેવાડે દિવાલ પર કે રોડની બાજુમાં છાણા ટીપેલા જોઈએ છીએ. પણ વસ્તુ જ્યારે ઓનલાઈન વેચવાની આવે ત્યારે તેને વધારે સુંદર બનાવવાની કોશિશ થતી જ હોય છે. પરંતુ આ કોશિશ એક કસ્ટમરને મોંઘી પડી છે.

ઘટના એવી છે કે એક વ્યક્તિએ એમેઝોન પરથી આવેલા છાણા બિસ્કિટ સમજીને ખાઈ લીધા હોવાનું માનવામાં આવે છે. છાણાં ખાઈ લેનારી વ્યક્તિ જણાવે છે કે, આનો ટેસ્ટ એકદમ ભંગાર છે. આ તો ઘાંસ અને માટીનું બનેલું હોય એવો ટેસ્ટ આવ્યો. મને આ ખાઈને ઝાડા થઈ ગયા. આ પ્રકારની વસ્તુઓ બનાવતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. આ સાથે તેના ટેસ્ટ અને ક્રન્ચિનેસનું પણ ધ્યાન રાખો.

છાણાને બિસ્ટિક સમજીને ઝાપોટી ગયેલા ભાઈને એ વાતની ખબર નહીં હોય કે આ વસ્તુ ખાવા માટે બનેલી જ નથી. એમેઝોન પર રિવ્યૂમાં પોતાની વાત રજૂ કરનાર વ્યક્તિએ પોતાનું નામ લખવાનું પણ ટાળ્યું છે. છાણ ખાઈ ગયેલી વ્યકિતએ રિવ્યૂમાં એ પણ જણાવ્યું છે કે તે ખાધા પછી તેના હાલ કેવા થયા હતા. યુઝરે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું છે અને તે ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

મહત્વનું છે કે છાણાનો સામાન્ય ઉપયોગ સળગાવવા માટે તથા કેટલીક ધાર્મિક વિધિઓમાં કરાતો હોય છે. અહીં ઓનલાઈન છાણા વેચતી વખતે પણ તેના હવન, પૂજા અને ધાર્મિક કાર્ય માટે ઉપયોગ અંગે જણાવવામાં આવ્યું છે. પરંતુ આ ભાઈ તો બિસ્કિટ સમજીને તેને ઝાપોટી જ ગયા. જોકે, આ પ્રકારની કમેન્ટ કોઈ વ્યક્તિએ કરેલી રમૂજ પણ હોઈ શકે છે.

(12:00 am IST)