મુખ્ય સમાચાર
News of Monday, 21st January 2019

મુંબઇમાં આફુસ કેરીનું આગમન

પેટીનો ભાવ ૨૦૦૦થી ૬૦૦૦ રૂપિયા

મુંબઇ, તા.૨૧: નવી મુંબઇના વાશીની APMC માર્કેટમાં શનિવારથી મહારાષ્ટ્ર અને કર્ણાટકની કેરી આવવાની શરૂઆત થઇ ગઇ છે. આ પહેલાં ઓકટોબર મહિનાથી આફ્રિકાની કેરી આવવાની શરૂઆત થઇ ગઇ હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે જાન્યુઆરીમાં એક અઠવાડિયા વહેલી કેરી આવી ગઇ હતી.

આ બાબતની માહિતી આપતાં નવી મુંબઇની હોલસેલ ફૂટમાર્કેટના અગ્રણી વેપારી સંજય પાનસરેએ કહ્યું હતું કે ૨૬ જાન્યુઆરી પછી માર્કેટમાં આવી હતી, પરંતુ આ વર્ષે એક અઠવાડિયા પહેલાં જ કેરીની પેટીઓ માર્કેટમાં ઊતરવાની શરૂઆત થઇ ગઇ છે. શનિવારે દેવગડની આફસ કેરીની ૧૭૩ પેટી માર્કેટમાં ઊતરી હતી. આ સિવાય બીજી ૩૩ પેટીઓ ઊતરી હતી, જયારે કર્ણાટકની ૧૨૫થી વધુ પેટી માર્કેટમાં આવી હતી.

ભાવની માહિતી આપતાં સંજય પાનસરેએ કહ્યું હતું કે 'અત્યારે આવેલી કેરીની પેટીઓના ભાવ ૨૦૦૦થી ૬૦૦૦ રૂપિયા સુધી ચાલી રહ્યા છે. ભાવનો આધાર કેરીની જાત અને કેરીની સાઇઝ પર અવલંબે છે. ઓકટોબરમાં આફ્રિકાની આફૂસ કેરીની સાથે દેવગડની કેરી આવી હતી, પરંતુ એ સમયે માલ બહુ ઓછો આવ્યો હતો, જેને કારણે અનેક કેરીરસિયાઓ નિરાશ થઇને પાછા ગયા હતા. અત્યારે પણ બહુ જ ઓછો માલ આવ્યો છે.'(૨૩.૩)

(11:38 am IST)