મુખ્ય સમાચાર
News of Thursday, 10th June 2021

કાયદાનો અભ્યાસ કરનારા ફાઇનલ યર અને ઇન્ટરમિડીયેટના વિદ્યાર્થીઓએ ફરજીયાત પરિક્ષા આપવી પડશેઃ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનો આદેશ

નવી દિલ્હીઃ કાયદાનો અભ્યાસ કરનારા ફાઇનલ યર અને ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓને ફરજિયાત પરીક્ષા આપવી પડશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ અંગે દેશના તમામ લો કોલેજો યુનિવર્સિટીઓને કેવી રીતે પરીક્ષા લેવી તે નક્કી કરવાનો આદેશ આપી દીધો છે.

દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે બોર્ડ સહિત મોટાભાગની શાળા-કોલેજોની પરીક્ષા રદ કરી દેવાઇ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુરુવારે કહ્યું કે તમામ લો કોલેજો કે યુનિવર્સિટીઓએ ફાઇનલ યરની પરીક્ષા યોજવાનુ ફરજિયાત છે. સાથે યુનિવર્સિટીઓ અને લો શિક્ષણ કેન્દ્ર પરીક્ષાના પ્રકાર નક્કી કરવા સ્વતંત્ર છે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વ્રારા વિદ્યાર્થીઓની પરીક્ષાના મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવા આવી હતી. તેમજ કાઉન્સિલની ઉચ્ચસ્તરીય સમિતિનો રિપોર્ટ સ્વીકાર કરવાના સંકલ્પ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમિતિના રિપોર્ટ બાદ કાઉન્સિલનો નિર્ણય

BCIએ એલએલબીની પરીક્ષા અને પ્રમોશન મામલે વિદ્યાર્થીઓ અને કોલેજો તરફથી હજોરો પત્ર મેળવ્યા બાદ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. જેના વડા અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ ગોવિંદ માથુરને બનાવવામાં આવ્યા હતા.સમિતિએ દરેક યુનિવર્સિટીઝ કે લો શિક્ષણ કેન્દ્ર ઉપલબ્ધતાના આધારે, સંસાધનો અને જે તે વિસ્તારમાં કોરોનાની અસરને ધ્યાનમાં રાખી ઇન્ટરમીડિયેટ અને લો ફાઇનલ યરની પરીક્ષા પોતાના હિસાબે લેવા રિપોર્ટ રજૂ કર્યો.

વિદ્યાર્થીઓને અસુવિધાથી બચાવવા માટે નિયમિત અને બેકલોગ પરીક્ષાઓ વચ્ચે પુરતો સમય અને અંતર રાખવા સમિતિએ યુનિવર્સિટીઓને ભલામણ કરી છે. આ સમિતિની પરીક્ષા કે પ્રમોશન મુદ્દે વિસ્તારથી ચર્ચા કર્યા બાદ પોતાનો રિપોર્ટ રજૂ કરવા નિયુક્તિ કરવામાં આવી હતી. જેથી કાઉન્સિલ અંતિમ નિર્ણય લઇ શકે. તેમજ જરૂર જણાય તો દિલ્હી હાઇકોર્ટ કે અન્ય કોર્ટ સમક્ષ પોતાના વિચાર મૂકી શકે.

સમિતિએ 8 જૂને રિપોર્ટ રજૂ કર્યો

8 જૂને સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો. ત્યાર બાદ કાઉન્સિલે સમિતિના રિપોર્ટને સંપૂર્ણપણે સ્વીકારી લેવાનો સંકલ્પ લીધો અને ફરજિયાત પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.

(5:16 pm IST)