મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

રાજ્યમાં ત્રણ દિવસ ચાલે એટલો જ વેક્સિનનો ડોઝ

મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રીનું ચોંકાવનારૃં નિવેદન : નવા સ્ટ્રેનની એન્ટ્રીથી ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો હોવાનું, વેક્સિન ખૂટતાં લોકોને પાછા મોકલવા પડતા હોવાનો દાવો

નવી દિલ્હી, તા. ૭ : મહારાષ્ટ્રમાં બેકાબૂ બની રહેલા કોરોનાના કારણે સૌ કોઈ ચિંતિત છે. ત્યારે આ બધા વચ્ચે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ એક ખૂબ જ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના મંત્રીના કહેવા પ્રમાણે તેમને શંકા છે કે, રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે જેથી તે ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે.

સરકારે આ માટે કેટલાક સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા છે. એટલું જ નહીં, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ વેક્સિનનો માત્ર ૩ જ દિવસનો સ્ટોક બચ્યો હોવાથી ઝડપથી વેક્સિન સપ્લાય થાય તે જરૂરી છે તેમ પણ કહ્યું હતું.

રાજેશ ટોપેએ વેક્સિનેશન અંગે કહ્યું કે, અનેક વેક્સિનેશન સેન્ટર્સ પર પૂરતા પ્રમાણમાં ડોઝ ન હોવાના કારણે લોકોને પાછા મોકલવા પડી રહ્યા છે. તેમણે સરકાર પાસે ૨૦થી ૪૦ વર્ષની ઉંમર ધરાવતા લોકોને પણ વેક્સિનનો ડોઝ આપવમાં આવે તેવી માંગણી કરી છે.

તેમના કહેવા પ્રમાણે મહારાષ્ટ્ર પાસે વેક્સિનના ૧૪ લાખ ડોઝ છે જે આગામી ૩ દિવસમાં ખતમ થઈ જશે. તેમણે પ્રતિ સપ્તાહ વેક્સિનના ૪૦ લાખ ડોઝની માંગણી કરી છે. તેઓ એવું નથી કહેતા કે કેન્દ્ર વેક્સિન નથી આપી રહ્યું પરંતુ તેની ઝડપ ખૂબ ઓછી છે.

વેક્સિનેશન મુદ્દે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૮૫ લાખ કરતા પણ વધારે લોકોએ વેક્સિનનો ડોઝ લઈ લીધો છે જે દેશમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં દરરોજ સરેરાશ ૪ લાખ કરતા વધારે વેક્સિન ડોઝ અપાઈ રહ્યા છે.

(12:00 am IST)