મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

રીઝર્વ બેન્કથી આમ આદમી નિરાશઃ લોનની ઈએમઆઈ પર કોઈ રાહત નહિ

રીઝર્વ બેન્કે વ્યાજદરો યથાવત રાખ્યાઃ રેપોરેટ ૪ ટકા જ રહેશે

નવી દિલ્હી, તા. ૭ :. ભારતીય રીઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની ૩ દિવસની બેઠક આજે પુરી થઈ છે. ભારતીય રીઝર્વ બેન્કે વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કર્યા જેના કારણે લોનના ઈએમઆઈ ઉપર વધુ રાહત નહિ મળે. રીઝર્વ બેન્કે રેપોરેટને ૪ ટકા પર યથાવત રાખેલ છે.

આજે સવારે ૧૦ વાગ્યે રીઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે કે બેઠક ૫મીએ શરૂ થઈ હતી.

તેમણે કહ્યુ હતુ કે કોરોનાની મહામારી થતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે જો કે હાલ જે રીતે કેસ વધી રહ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોને નિપટવા તૈયાર છે. તેમણે કહ્યુ હતુ કે ફેબ્રુઆરીમાં મોંઘવારીનો દર પાંચ ટકા પર રહેવા છતા તે રીઝર્વ બેન્કના સુવિધાજનક સીમાની અંદર છે.

રીઝર્વ બેન્કે રીવર્સ રેપોરેટને પણ ૩.૩૫ ટકા પર યથાવત રાખેલ છે. રેપોરેટ એ દર છે જે પર બેન્કોને રીઝર્વ બેન્ક તરફથી ઉધાર મળે છે અને રીવર્સ રેપોરેટ દર એ છે જેના પર રીઝર્વ બેન્ક પોતાની પાસે બેન્કો દ્વારા રાખવામાં આવેલ જમા રકમ પર બેન્કોને વ્યાજ આપે છે.

(11:27 am IST)