મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

સર, આજે મારો જન્મદિવસ છે... જજે કહ્યું, જાઓ આજે તમને આરોપ મુકત કર્યા

શેરીમાં પડોસી સાથેની સામાન્ય બોલાચાલી કોર્ટમાં પહોંચી, જેમાં માતાને સાથ આપનાર કિશોર લાંબા સમયથી કોર્ટના ચક્કર કાંપી રહ્યો હતો : જન્મ દિવસે સુનવણી દરમિયાન માફીની અપીલ કરી અને જજે આરોપ મુકત કર્યો

નાલંદા તા. ૭ : આશ્ચર્ય આપતાં નિર્ણયો અને સમાજને નવી દિશા આપનાર નાલંદા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે ફરી એકવાર ખૂબ જ મહત્વનો નિર્ણય આપ્યો છે. પાડોસી સાથેના ઝઘડામાં માતાને સાથ આપનારા કિશોરને આજે નાલંદા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે સૌથી કિંમતી બર્થ ડે પ્રેઝન્ટ આપી હતી. કોર્ટમાં સુનવણી દરમિયાન કિશોરે કહ્યું કે સર, આજે મારો જન્મ દિવસ છે અને આજે હું ૧૮ વર્ષનો થયો છું. મારી વિરુદ્ઘ કોઇપણ પોલીસ ચોકી કે કોર્ટમાં અન્ય કોઇ કેસ નથી, હું એક દવાની દુકાનમાં નોકરી કરું છું અને કોર્ટમાં આવ્યા પછી મારા એ દિવસનો પગાર પણ કાપી લેવામાં આવે છે. મારે પરિવાર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મને માફી આપવામાં આવે.

કોર્ટે કિશોરની વાત સાંભળ્યા પછી તેની માતાની પૂછપરછ કરી હતી. ત્યારે કિશોરની માતાએ જણાવ્યું કે, પડોસમાં રહેતી એક વ્યકિત સાથે બોલવાનું થયું હતું. જેને લઇને તેણે કેસ કરી દીધો હતો. તેમનો પુત્ર હવે ઠીક રીતે રહે છે.

આટલુ સાંભળ્યા પછી નાલંદા જુનેવાઇલ કોર્ટના જજ માનવેન્દ્ર કુમાર મિશ્રાએ કિશોરને મુકત કરવાના આદેશ આપ્યા હતા. જોકે તેમણે કિશોરને ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્ત્િ।ઓથી દુર રહેવા ચેતવણી પણ આપી હતી. તેમના આ નિર્ણય પર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના અન્ય સભ્ય ધર્મેન્દ્ર કુમાર અને ઉષા કુમારીએ સંમતિ આપી હતી.

પોતાની શેરીમાં પડોસમાં રહેતી વ્યકિત સાથે બોલાચાલી દરમિયાન કિશોર તેની માતાને સાથ આપતાં ઝઘડામાં સામેલ થયો હતો અને સાત મહિનાથી આ કેસમાં ચક્કર મારી રહ્યો છે. આ દરમિયાન પોલીસ આ કેસમાં એફઆઇઆર દાખલ કરી ન હતી. જસ્ટિસ બોર્ડ મુજબ ગુનાનો પ્રકાર સામાન્ય હતો, જે પછી હાઇકોર્ટના આદેશનો હવાલો આપતાં કિશોરને આરોપ મુકત કર્યો હતો.

(11:26 am IST)