મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

બેંકોના ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓ દ્વારા જલદ પગલાની શકયતા

ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એશોસીએશનની બેઠકમાં ચર્ચા

રાજકોટ તા. ૭ : કેટલીક બેન્કોના ખાનગીકરણ સામે બેન્ક કર્મચારીઓ છેલ્લાં લાંબા સમયથી સરકારની સામે વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓ હવે આ આંદોલનને વધુ તીવ્ર બનાવવા જઇ રહ્યા છે. ગત રવિવારે ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિયેશન (એઆઇબીઇએ)ના આશરે ૨૩૫ જેટલા સભ્યોની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદ્દે લાંબી હડતાળ પાડવાનો વધુ જલદ નિર્ણય લેવાયો હતો. માર્ચમાં તા. ૧૫ અને ૧૬ તારીખે પાડવામાં આવેલી બેન્ક હડતાળમાં આશરે દશ લાખ જેટલા કર્ચારીઓ જોડાયા હતા.

અમે દેશભરના રાષ્ટ્રીય સંગઠનો સાથે બેઠક યોજી હતી, જેમાં આગામી સમયમાં આંદોલન તેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના જેટલા પણ બેન્કોના સંગઠનો છે જે બધાં સાથે મળી કેન્દ્ર સરકાર સામે આંદોલન કરશે. હડતાળની તારીખની કોઇ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

એસોસિયેશનના અનુસાર જાહેર ક્ષેત્રની બેન્કો શિક્ષિત યુવાનોને કાયમ માટે રોજગારી પૂરી પાડે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે નવી ખાનગી બેન્કોના કર્મચારીઓની હાલત કેવી છે. બેન્કોમાં નોકરીની કોઈ ગેરંટી નથી. ખાનગીકરણના કારણે યુવા કામદારો ગુલામ બનશે. નાણાપ્રધાન સીતારામને ૨૦૨૧-૨૨ના અંદાજપત્રની રજૂઆતમાં જણાવ્યું હતુ કે સરકાર આઇડીબીઆઇ તેમ જ અન્ય બે બેન્કોમાં પોતાનો હિસ્સો વેચશે. જે કર્મચારીઓ માટે મુશ્કેલી સર્જશે.

(10:16 am IST)