મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

દેશના ૭૭૦ ટોલ પ્લાઝા પર ૧ માર્ચ સુધી ફ્રી ફાસ્ટટેગ મળશે

વાહનચાલકો માટે મહત્વની જાહેરાત : ટોલ પ્લાઝા પરથી ફ્રીમાં પોતાના ફાસ્ટેગ મેળવી લેવા એનએચઆઈએની વાહન ધારકોને અપીલ કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૨ : નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-એનએચઆઈએએ વાહન ધારકો માટે મહત્વની જાહેરાત કરતા ફાસ્ટેગ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે. એનએચઆઈએએ એક ટ્વીટમાં જાહેર કર્યું હતું કે, દેશના તમામ ૭૭૦ ટોલ પ્લાઝા પર એનઇટીસી પ્રોગ્રામ હેઠળ માર્ચ ૨૦૨૧ સુધી ફ્રી ફાસ્ટટેગની સગવડ ઉભી કરી છે. એનએચઆઈએએ વાહન ધારકોને અપીલ કરી હતી કે તેઓ ટોલ પ્લાઝા પરથી ફ્રીમાં પોતાના ફાસ્ટેગ મેળવી લે.

ડિજિટલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ વાહન ચાલકોને ફ્રીમાં ફાસ્ટેગ આપવાના કાર્યક્રમની શરુઆત કરી છે. જે હેઠળ દેશના ૭૭૦ ટોલ પ્લાઝા પર પહેલી માર્ચ સુધી આરએફઆઇડી ટેગ ફ્રીમાં આપવામાં આવશે.

નેશનલ હાઇવે ઓથોરિટીએ એવી પણ જાહેરાત કરી હતી કે તેણે દેશના નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર ૧૦૦% કેશલેસ ટોલ કલેક્શનના લક્ષને સફળતાથી હાંસલ કરી લીધો છે. એનએચઆઈએએ અન્ય એક ટ્વીટમાં માહિતી આપતા જણાવ્યું કે ફાસ્ટેગની મદદથી ટોલ કલેક્શનનું પ્રમાણ માત્ર ચાર દિવસમાં ૨૩. ટકા જેટલુ વધ્યુ હતું અને ૧૯ ફેબ્રુઆરીએ ફાસ્ટેગની મદદથી ૧૦૦ કરોડ રુપિયાના કલેક્શન ટાર્ગેટને મેળવી લેવાયો હતો.

એનએચઆઈએએ ફાસ્ટેગ રિચાર્જ કરવા માટે દેશવ્યાપી ૪૦ હજારથી વધુ બૂથ તૈયાર કર્યા છે. સિવાય ઓનલાઇ પ્લેટફોર્મ પરથી પણ રિચાર્જ સુવિધા છે. વાહન ચાલકો સીબીઆઈ, આઈસીઆઈસીઆઈ,એચડીએફસી, એક્સિસ જેવી બેક્નો અને પેટીએમ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. સિવાય હાઇવેનો દૈનિક સ્તરે ઉપયોગ કરનારા વાહન ચાલકો માટે માય ફાસ્ટટેગ એપ  લોન્ચ કરી હતી જેની મદદથી બેલેન્સ ચેક કરી શકાય છે.

તેમજ ફાસ્ટટેગ વોલેટમાં હવેથી મિનિમમ બેલેન્સ રાખવાના નિયમને પણ હટાવી દેવાયો છે. એમાં ફાસ્ટેગ વોલેટનું બેલેન્સ નોન-નેગેટિવ હશે તો યુઝર્સને ટોલ પ્લાઝા પર રોકવામાં આવશે નહી. સિવાય ટોલ પ્લાઝા પર ટેકનિકલ ખામીને લીધે ફાસ્ટેગ યુઝર્સને કોઇપણ ફી ચૂકવ્યા વગર જવાની મંજૂરી આપવામાં આવશે.

(9:26 pm IST)