મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

શબનમની ફાંસીની સજા માફ કરો : મહંત પરમહંસ દાસ

પરિવારના ૭ની હત્યા કરનાર શબનમને ફાંસીની તૈયારી : હિંદુ શાસ્ત્રોમાં મહિલાઓનું સ્થાન પુરુષોથી ઉપર છે, આથી એક મહિલાને મૃત્યુદંડ આપવાથી સમાજનું ભલું નહીં થાય

મથુરા, તા. ૨૨ : પોતાના પ્રેમી સાથે મળીને સમગ્ર પરિવારને મોતને ઘાટ ઉતારનારી શબનમને જલ્દી ફાંસીની સજા આપવામાં આવી શકે છે. મથુરાની જેલમાં તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. વચ્ચે શબનમને ફાંસીની સજાને લઈને અયોધ્યાની તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે મોટું નિવેદન આપ્યું છે. મહંત દાસે કહ્યું કે, શબનમનો ગુનો ખૂબ મોટો છે, પરંતુ મહિલા હોવાના કારણે તેની ફાંસીની સજા માફ થવી જોઈએ. મહંત પરમહંસ દાસે કહ્યું કે, હિંદુ શાસ્ત્રોમાં મહિલાઓનું સ્થાન પુરુષોથી ઉપર છે, આથી એક મહિલાને મૃત્યુદંડ આપવાથી સમાજનું ભલું નહીં થાય.

મહંત પરમદાસે કહ્યું કે, એક મહિલાને ફાંસ આપવાથી સમાજનું ભલું નહીં થાય પરંતુ તેનાથી આપત્તીઓને આમંત્રણ મળશે. તેમણે કહ્યું, હિન્દુ ધર્મના ગુરુ હોવાના કારણે હું રાષ્ટ્રપતિને અપીલ કરું છું કે શબનમની દયા અરજી સ્વીકારી લે. જેલમાં પોતાના ગુના માટે તે પ્રાયશ્ચિત કરી ચૂકી છે. જો તેને ફાંસી આપવામાં આવી તો ઈતિહાસનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ અધ્યાય હશે.'

પહેલા શબનમના દીકરાએ પણ રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે તેની માતાની ફાંસીની સજાને માફ કરવામાં આવે. શબનમને લોઅર કોર્ટથી લઈને સર્વોચ્ચ અદાલત સુધીમાં દોષી જાહેર કરવામાં આવી છે અને તેની ફાંસીની સજા પણ ઓછી કરવામાં નથી આવી. એવામાં શબનમ પાસે હવે રાષ્ટ્રપતિ પાસે માફી માગવા સિવાયનો કોઈ વિકલ્પ બાકી નથી.

૧૫ એપ્રિલ ૨૦૦૮એ શબનમે પોતાના પ્રેમી સાથે મળીને એવી ખૌફનાક ઘટનાને અંજામ આપ્યો હતો કે સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો હતો. શબનમે પોતાના પરિવારના સાત લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી. શબનમના પ્રેમીને તો ફાંસીની સજા મળી છે. શબનમ જુલાઈ ૨૦૧૯થી રામપુરની જેલમાં બંધ છે. હાલમાં મથુરાની જેલ યુપીમાં એકમાત્ર એવું સ્થાન છે જ્યાં મહિલાઓને ફાંસી આપી શકાય છે આથી શબનમની ફાંસીની તૈયારીઓ મથુરાની જેલમાં કરાઈ રહી છે.

(7:32 pm IST)