મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ઇંદોરની 9 માસની બાળકી ભાગ્યશ્રીને અમદાવાદની સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલે નવું જીવન આપ્યું : છેલ્લા બે વર્ષ દરમિયાન હાર્ટના 1500 ઉપરાંત દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશનો કર્યા : હોસ્પિટલનું સૂત્ર ' દિલ વિધાઉટ બિલ '

અમદાવાદ :  ભારતની સૌથી મોટી ગણાતી અમદાવાદ ની  સત્ય સાંઈ પીડિયાટ્રિક કાર્ડિયાક મેડિકલ હોસ્પિટલે  તાજેતરમાં ઇંદોરની 9 માસની બાળકી ભાગ્યશ્રીને નવું જીવન આપ્યું છે.તેના હ્ર્દયના જમણાં ભાગમાં કાણું હતું.તેથી મધ્ય પ્રદેશના ઈન્દોરથી તેને અહીં લાવવામાં આવી હતી.હોસ્પિટલના સર્જનોની ટીમે એક કલાકના ઓપરેશન બાદ બાળકીને ખામી મુક્ત કરી દઈ નવું જીવન આપ્યું હતું.

હોસ્પિટલના સર્જન ડો.આશિષ સુપ્રે તથા ડો.સુપ્રીત બલ્લુરે એ જણાવ્યું હતું આવા કેસ હજારે એકથી બે જ હોય છે.જેમાં દર્દીને હૃદયની જટિલ સમસ્યા તથા હાઇપર ટેન્સનનો સામનો કરવો પડતો હોય છે.બાળકીને જયારે હોસ્પિટલે લાવવામાં આવી ત્યારે તેનું વજન માત્ર 4.4 કિલો હતું જે તેની જિંદગી માટે જોખમ સમાન ગણાય .પરંતુ હોસ્પિટલના તબીબોએ પડકાર જીલી લઇ બે કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું.અને બાળકી સ્વસ્થ થઇ ગયા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા માત્ર વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે તેટલું જ નહીં દર્દીને તથા તેના વાલીને ઈન્દોરથી અમદાવાદ હોસ્પિટલ સુધી આવવાનો ,રહેવાનો ,જમવાનો તેમજ દવાનો ઉપરાંત પરત ઇન્દોર જવાનો સહીત તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા પૂરો પાડવામાં આવ્યો  હતો.

' દિલ વિધાઉટ બિલ ' સૂત્ર સાથે કાર્યરત સત્ય સાંઈ હોસ્પિટલ દ્વારા છેલ્લા બે વર્ષમાં 1500 ઉપરાંત હાર્ટ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.તેમજ ઓડિસા તથા મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર સાથે  એમ.ઓ.યુ.પણ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત અત્યાર સુધીમાં ઓડિસાના 845 દર્દીઓ , રાજસ્થાનના  312  દર્દીઓ તથા મધ્ય પ્રદેશના 242 દર્દીઓના હ્ર્દયના વિનામૂલ્યે ઓપરેશન કરી તેઓને નવું જીવન આપવામાં આવ્યું છે.આ ત્રણ રાજ્યો સિવાય ભારતના અન્ય 8 રાજ્યોના હ્ર્દયના દર્દીઓના પણ વિનામૂલ્યે ઓપરેશન કરી નવું જીવન આપવામાં આવ્યું છે.

વિશેષ માહિતી શ્રી ગોપાલ મોદી અથવા શ્રી રૂપેશ પંચાલ પાસેથી મળી શકશે તેવું શ્રી ગોપાલ મોદીની યાદી જણાવે છે.

(7:29 pm IST)