મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

સિંગલ ચાર્જમાં 22 કિ.મી. ચાલે તેવી ઇલેકટ્રીક સાયકલનું ભારતમાં લોન્‍ચીંગ

અમદાવાદઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. ત્યારે અનેક કંપનીઓએ માર્કેટમાં ઈલેક્ટ્રીક કાર, બાઈક અને સ્કુટર લોન્ચ કર્યા છે. ત્યારે આ વાહનોમાં હવે ઈલેક્ટ્રીક સાઇકલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોનો ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે. તેવામાં NEXZU MOBILITY કંપનીએ ભારતમાં પોતાની નવી ઈલેક્ટ્રીક સાઇકલ લોન્ચ કરી છે. જેનું નામ છે ROMPUS+. આવો જાણીએ આ ઈલેક્ટ્રીક સાયકલ વિશે વધુ માહિતી.

NEXZU MOBILITYએ ભારતમાં શાનદાર અને સ્ટાઈલિશ દેખાતી ઈલેક્ટ્રીક સાયકલ લોન્ચ કરી છે. ROMPUS+ સાયકલની કિંમત 31,980 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આ સાયકલને પોતાની વેબસાઈટમાં જઈ ખરીદી શકે છે. આ સિવાય ગ્રાહક NEXZUની ડીલરશિપ્સમાંથી પણ ખરીદી શકે છે. આગામી સમયમાં કંપની આ ઈલેક્ટ્રીક સાયકલનું AMAZON અને PAYTMમાં વેંચાણ શરૂ કરશે.

NEXZUની ROMPUS+ ઈલેક્ટ્રીક સાયકલની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહક તેને ઈલેક્ટ્રીક સ્કુટર અને નોર્મલ સાઈકલની જેમ ઉપયોગ કરી શકશે. આ સાયકલમાં પાવર માટે લિથિયમ આયનની 5.2 Ahની બેટરી આપવામાં આવી છે. આ બેટરી સાયકલની ફ્રેમમાં લગાવવામાં આવી છે. આ સિવાય તેમાં BLDC 250W 36Vની મોટર આપવામાં આવી છે.

NEXZUની ROMPUS+માં ચાર્જિંગની વાત કરીયે તો ફુલ ચાર્જ કરવામાં 2.5થી 3 કલાકનો સમય લાગે છે. સાયકલની બેસ્ટ રાઈડ માટે આમાં ત્રણ રાઈડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. જેમાં સ્લો, મીડિયમ અને ફાસ્ટ મોડ સામેલ છે. સાયકલમાં બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સ્પીડ વિશે વાત કરીયે તો ગ્રાહકો 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડે સાયકલ ચલાવી શકશે. આ સિવાય તેમાં ડિસેન્ટ માઇલેજ પણ મળશે. સ્લો મોડમાં આ ઇલેક્ટ્રીક સાયકલમાં 25થી 28 કિલોમીટર સુધીની માઈલેજ આપશે. ફાસ્ટ મોડમાં આ સાયકલ 22 કિલોમીટરની માઈલએજ આપશે.

(5:57 pm IST)