મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

બ્રિટનમાં ડોક્‍ટરોએ ચમત્‍કાર સર્જ્‍યોઃ મૃત જાહેર થયેલાઓના હૃદય ટ્રાન્‍સપ્‍લાન્‍થી 6 બાળકોને મળ્‍યુ નવજીવન

લંડનઃ બ્રિટનના ડોક્ટરોએ ચમત્કાર કરી દીધો. પહેલીવાર મૃત વ્યક્તિઓના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું. તેમજ એક-બે નહીં 6 બાળકોને નવજીવન બક્ષ્યુ. આવું લંડનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના ડોકટરોએ એક ખાસ પ્રકારની મશીન (ઓર્ગન કેર મશીન) દ્વારા શક્ય બનાવ્યું.

કેમ્બ્રિજશાયરની રોયલ પેપવર્થ હોસ્પિટલમાં ડોક્ટરોએ સર્જરી કરી. તેમણે જે મશીનનો ઉપયોગ કર્યો તેને ઓર્ગન કેર મશીન કહેવામાં આવે છે. અત્યાર સુધી બ્રેનડેડ લોકોના જ અંગોનું પર્ત્યાપણ થતું હતું. પહેલી વાર ધબકતું બંધ થઈ ગયેલાએટલે કે તે મૃત જાહેર કરેલી વ્યક્તિઓનાં દિલનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. 6 બાળકમાં આવાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયાં છે. આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

12થી 16 બાળકોનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

આ ટેક્નિકથી 12થી 16 વર્ષનાં 6 એવાં બાળકોને નવું જીવન મળ્યું છે કે જેઓ બે-ત્રણ વર્ષથી અંગદાન દ્વારા હૃદય મળે એની રાહ જોઈ રહ્યાં હતાં, એટલે કે લોકો હવે મરણોપરાંત વધુ હાર્ટ ડોનેટ કરી શકશે. હવે લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. NHSના ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના ડાયરેક્ટર ડૉ. જોન ફોર્સિથ કહે છે કે તેમની આ ટેક્નિક સમગ્ર વિશ્વમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

હું હવેે હોકી રમી શકું,પહાડ ચઢી શકું છું: ફ્રેયા

આ ટેક્નિક દ્વારા જે બે લોકોને સૌથી પહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું એમાં બ્રિસ્ટલની ફ્રેયા હેમિંગ્ટન (14 વર્ષ) અને વોરસેસ્ટરની એના હેડલી (16 વર્ષ)નો સમાવેશ થાય છે. તે કહે છે કે તે હવે પહેલાંની જેમ હોકી રમી શકે છે. તેણે આગળ કહ્યું હતું તે હવે વધુ શક્તિશાળી થઈ છે અને પહાડ પર પણ ચઢી શકે છે.

મશીનમાં મૃત જાહેર વ્યકિતનું તુરત દિલ કાઢી સચવાય છે

એનએચએસના ડોક્ટરોએ ઓર્ગનકેર સિસ્ટમ મશીન બનાવ્યું છે. મૃત્યુ થયું હોવાનું જણાતાં ડોનરના હૃદયને તરત કાઢીને આ મશીનમાં મૂકી 12 કલાક તપાસવામાં આવે છે અને ત્યાર પછી જ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. ડોનર દ્વારા મળેલા હૃદયને જે દર્દીના શરીરમાં મૂકવાનું હોય તેના શરીરની જરૂરિયાત મુજબ ઓક્સિજન, પોષકતત્ત્વ અને એ ગ્રુપનું બ્લડ આ મશીનમાં રાખી હૃદયમાં 24 કલાક સુધી તેને પ્રવાહિત કરવામાં આવે છે.

વિશ્વનાં સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 1967માં થયું

નોંધનીય છે કે વિશ્વનું સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ડિસેમ્બર 1967ના રોજ થયું હતું. દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનની ગ્રૂટ શૂર હોસ્પિટલના ઓપરેશન થિયેટર 2Aમાં આ ઇતિહાસ રચાયો હતો. ત્યારે પ્રોફેસર ક્રિસ્ટિયન નીથલિંગ બર્નાર્ડે ડેનિસ જારવેલ નામના શખસના હૃદયનું લુઇસ વશકાંસ્કીની છાતીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આ વિશ્વનું સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતુ.

54 વર્ષ બાદ ડોક્ટરોએ રચ્યો નવો ઇતિહાસ

વિશ્વના સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 56 વર્ષ બાદ ડોક્ટરોએ નવો ઇતિહાસ રચી દીધો. પરંતુ આ વખતે ડોકટરોની ટીમ બ્રિટનના કેમ્બ્રિજશાયરની રોયલ પેપવર્થ હોસ્પિટલની છે.

(5:53 pm IST)