મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ડાર્ક સ્‍ક્રીનવાળા લોકોના ઓક્‍સિજન સ્‍તરને માપવા માટે ઓક્‍સીમીટર ખોટા પરિણામ આપી શકે છેઃ અમેરિકન સંસ્‍થાનો દાવો

વોશિંગ્ટન: કોરોના સામે જંગમાં જેને સૌથી મહત્વનું હથિયાર ગણવામાં આવી રહ્યું છે તે પલ્સ ઓક્સીમીટર અંગે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પલ્સ ઓક્સીમીટરનો ઉપયોગ શરીરમાં ઓક્સીજનના લેવલની જાણકારી મેળવવામાં થાય છે. દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલમાં વધતા બોજને ઓછો કરવા માટે કોરોના દર્દીઓને આ ડિવાઈસ ઉપલબ્ધ કરાવ્યો હતો જેથી કરીને તેઓ ઘરે જ ઓક્સીજન લેવલની તપાસ કરી શકે. સરકારે હજારો ઓક્સીમીટર વહેંચ્યા હતાં પરંતુ હવે જે દાવો થયો છે તે જાણીને બધા ચોંકી ગયા છે.

False Result નું જોખમ

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે પલ્સ ઓક્સીમીટર શ્યામવર્ણના લોકોના કેસમાં કારગર નથી. અમેરિકી વિભાગે દાવો કર્યો કે ડાર્ક સ્કીનવાળા લોકોના ઓક્સીજનના સ્તરને માપવા દરમિયાન ઓક્સીમીટર ખોટા પરિણામ આપી શકે છે. જો કે FDA એ કહ્યું કે ઓક્સીમીટર્સ લોહીમાં ઓક્સીજનને માપવા માટે ઉપયોગી છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે.

અનેક ફેક્ટર્સ કરે છે પ્રભાવિત

ફેડરલ એજન્સીએ કહ્યું કે એવું સામે આવ્યું છે કે અનેક ફેક્ટર ઓક્સીમીટર રિડિંગની સટીકતાને પ્રભાવિત કરી શકે છે. જેમાં સ્કીન પિગમેન્ટેશન, સ્કીન થિકનેસ, સ્કીનનું તાપમાન, તમાકુનો ઉપયોગ અને એટલે સુધી કે નેલ પોલીશ પણ સામેલ છે. FDA એ પોતાના નિવેદનમાં કહ્યું કે કોરોના પીડિત એવા દર્દીઓ કે જે ઘર પર  જ પોતાની સ્થિતિની નિગરાણી કરે છે તેમણે પોતાની સ્થિતિના તમામ સંકેતો અને લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ અને કોઈ પણ પ્રકારની પરેશાની થાય તો વાત કરવી જોઈએ.

FDA એ આપી આ સલાહ

એજન્સીએ સલાહ આપી છે કે દર્દીઓએ પોતાના ચહેરા, હોઠ કે નખના રંગ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને પલ્સ રેટમાં થનારા ફેરફાર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ઓછા ઓક્સીજન સ્તરવાળા કેટલાક દર્દીઓમાં આ બધા લક્ષણો દેખાતા નથી, આવામાં તેમની ઓળખ ફક્ત ડોક્ટર જ કરી શકે છે. નોંધનીય છે કે અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (CDC) એ પણ શોધના આધારે કહ્યું છે કે સ્કીન પિગમેન્ટેશન પલ્સ ઓસ્ટીમીટરની સટીકતાને પ્રભાવિત કરી શકે છે.

(5:46 pm IST)