મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

કાશી-મથુરામાં જો રામમંદિર બાબતનું પુનરાવર્તન થશે તો ૩ નવા પાકિસ્તાન સર્જાશેઃ શંકરાચાર્યજી

આ કૃત્ય દેશને આગની ભઠ્ઠીમાં હોમવા બરાબરનું થશેઃ પૂ.શંકરાચાર્યજી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજે આપેલ સ્પષ્ટ ચેતવણી

ધનબાદ (બિહાર) તા.રર : રામમંદિર નિર્માણ શરૂ થઇ ગયું છે એ માત્ર ભારત જ નહિ સમગ્ર વિશ્વ માટે આનંદની વાત છે. પરંતુ જે રીતે હકકના દાવે નહિ પરંતુ ભેટ સ્વરૂપે પાંચ એકર જમીન દઇ રહ્યાની વાત થઇ રહી છે તે કૃત્ય અને ભાષા બન્ને અયોગ્ય, અનુચિત છે આજ બાબત કાશી વિશ્વનાથ અને મથુરામાં પુનરાવર્તન  પામશે તો ત્રણ નવા પાકિસ્તાન સર્જાશે  આ કૃત્ય દેશને આગની ભઠ્ઠીમાં હોમવા બરાબરનું છે. આ વાત પૂરી ગોવર્ધન પીઠના પીઠાધીશ્વર, પૂજય શંકરાચાર્ય મહારાજ શ્રીનિશ્વલાનંદ સરસ્વતીજી મહારાજે કહે હતી.

ગઇકાલે રવિવારે મુરલીનગરમાં યોજાયેલ ધર્મ, અધ્યાત્મ અને રાષ્ટ્ર ઉપરની એક પરિષદને તેઓ સંબોધીત કરી રહ્યા હતા.

શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે રામમંદિરના નિર્માણમાં જે સંતોએ પોતાનું યોગદાન આપ્યું છેતેમનું ઉચિત સન્માન થવું જોઇએ. એ યાદ રાખવું જોઇએ કે રામાલય ટ્રસ્ટ ઉપર માત્ર પુરી પીઠના શંકરાચાર્યજીએ હસ્તાક્ષર નહોતા કર્યા, આ કારણે અયોધ્યામાં નરસિંહારાવના પ્રયાસો છતાં ત્યાં મંદિર અને મુસ્જિદ એક સાથે નહોતા બન્યા.

પ્રશ્નોતરી સમયમાં શંકરાચાર્યજી મહારાજે એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે માત્ર મનુષ્ય યોનીમાંં  જન્મ લેવાથી જ મોક્ષની પ્રાપ્તિ થતી નથી.જીવને તેના કર્મ જ યોનિ પ્રાપ્ત કરાવે છે આ માટે જરૂરી છે કે મનુષ્ય શરીર ભગવત ભકિતની તરફ પ્રયાણ કરે તેમણે કહ્યુંકે સચ્ચિદાનંદનૂં નામ જે બ્રહ્મ છે, તે જ પરમારત્મા છે.

અહી નારાયણ પાદુકા પુજન માટેલોકોની ભીડ ઉમટી પડી હતી. લોકોમાં શંકરાચાર્યજીના દર્શન અને નારાયણ પાદુકાના ચરણ સ્પર્શ માટે ભારે હોડ મચી હતી. અનુષ્ઠાનના અંતમાં શંકરાચાર્યજી મહારાજે અનેક શ્રદ્ધાળુઓને દીક્ષા અપાવી હતી.

(4:37 pm IST)