મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

રૂજીરા પહેલા પણ વિવાદમાં આવી ગઇ છે : મમતાની ભત્રીજા વહુ રૂજીરા નરૂલા સાથે ભત્રીજાની સાળી મેનકાને નોટિસ

તૃણમૂલ કોંગ્રેસમાં મમતા પછી બીજા નંબરનું સ્થાન ભત્રીજા અભિષેકનું છે

કોલકતા,તા. ૨૨: સીબીઆઇની એક ટીમ રવિવારે અચાનક તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. સીબીઆઇ કોલસા કૌભાંડ કેસમાં અભિષેકની પત્ની રૂજીરા નરૂલાને નોટીસ આપવા આવી હતી. ટીમે તેમને કોલસા કૌભાંડ કેસની તપાસમાં સામેલ થવા કહ્યું છે. સીબીઆઇની નોટીસ પછી પશ્ચિમ બંગાળમાં રાજકીય પારો ફરી ઉંચે ચડ્યો છે. રૂજીરાની સાથે જ તેની બહેન (અભિષ્ેાકની સાળી) મેનકા ગંભીરને પણ સીબીઆઇએ નોટીસ પાઠવી છે.

રૂજીરા આ નોટીસ મળ્યા પછી ફરી એક વાર ચર્ચામાં છે. તે આ પહેલા પણ વિવાદોમાં ઘેરાઇ હતી. તેના પર સોનાની દાણચોરીનો આરોપ હતો. રૂજીરાનો જન્મ ૧૯૮૮માં કોલકતામાં થયો હતો. તે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકની પત્ની છે. ટીએમસીમાં મમતા બેનર્જી પછી અભિષેક બેનર્જી બીજા નંબરનું સ્થાન ધરાવે છે. રૂજીરા અને અભિષેકના લગ્ન ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪માં થયા હતા. તેમને બે પુત્રીઓ અને એક પુત્ર છે.

નોટીસ અંગે મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે મહેરબાની કરીને અમને ડરાવો નહીં અને જેલની ધમકી ન આપો. અમારી લડાઇ લાંબી ચાલવાની છે અને એમ ડરવાના નથી. આજે હુ આપ લોકોને કહુ છું કે હું જ્યાં સુધી જીવું છુ ત્યાં સુધી નહીં ડરૂ. અમારુ માળખુ તોડવુ એટલુ સહેલુ નથી.

(3:51 pm IST)