મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

એક જ દિવસે મત ગણતરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટ બાદ સુપ્રીમે પણ કોંગ્રેસની માંગ પર પાણી ફેરવી દીધું

નવી દિલ્હી, તા.૨૨: કોંગ્રેસ પાર્ટીના અરમાનો પર પાણી ફરી વળ્યું, મનપા ચૂંટણીના પરિણામની ગણતરી કાલે જ થશે, બે તબક્કામાં જ થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત-તાલુકા પંચાયની ચૂંટણીના પરિણામ અગાઉ નક્કી થયા મુજબ જ જાહેર થશે

રાજયમાં યોજેયાલી મહાનગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામની મતગણતરી એક જ દિવસે કરવાની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. સુપ્રિમ કોર્ટમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. મતગણતરી ચૂંટણી પંચે જાહેર કરેલી ૨૩મી તારીખે જ થશે. મનપાની ચૂંટણીની મતગણતરી ૨૩જ્રાક ફેબ્રુઆરીએ થશે.

અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગ સાથે થયેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે પણ ફગાવી હતી. આ અરજીના સંદર્ભમાં ચૂંટણીપંચે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત ચૂંટણીપંચે કરી હતી.

અગાઉ આ મામલે હાઇકોર્ટમાં સોગંદનામામાં ચૂંટણીપંચે જણાવ્યુ હતું કે, ગ્રામિણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ છે અને તેથી ગ્રામિણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદારના પ્રશ્નો પણ અલગ અલગ છે. અરજદારોએ પોતાના રાજકીય હેતુ બહાર લાવવા માટે આ અરજી કરી છે. જોકે, આ મુદ્દે હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવી હતી.હાઇકોર્ટે આ અરજી ફગાવ્યા બાદ કાઙ્ખંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દે સુપ્રિમના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. આ અરજીને સુપ્રિમ પણ ફગાવી છે અને ચોક્કસ જવાબો પણ આપ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષે નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે આ 'કોંગ્રેસ પક્ષ માટે ફટકો નથી લોકશાહી માટે ફટકો છે, બે ચૂંટણીના પરિણામો હોય તે અલગ અલગ તારીખે થાય અને બંને વચ્ચે એક ચૂંટણીનો ગેપ હોય તો પરિણામો પ્રભાવિત થાય છે. સુપ્રિમ કોર્ટના બેવડા નિર્ણય સામે નારાજગી વ્યકત કરું છું'આ મામલે ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે 'ભારતીય જનતા પાર્ટી સુપ્રિમના નિર્ણયનો સ્વીકાર અને આવકાર કરે છે. જોકે, ભાજપ કયારેય પરિણામની તારીખોનું ચિંતા નથી કરતું. અમને વિશ્વાસ છે પરિણામો અમારી તરફેણમાં છે.'

(3:01 pm IST)