મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ડિઝલ - પેટ્રોલની કિંમત ઐતિહાસિક સપાટીએ છે ગેરવ્‍યાજબી છેઃ તુરંત ભાવ વધારો પાછો ખેંચી લ્‍યો

મોદી સરકાર નફાખોરીમાં વ્‍યસ્‍તઃ આગલી સરકારો ઉપર ઠીકરુ ફોડવું વ્‍યાજબી નથી : નરેન્‍દ્રભાઇને ખુલ્લો પત્ર પાઠવતા સોનિયાજી

નવી દિલ્‍હી, તા.૨૨: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને જતા તેમજ મોંઘવારીનો માર વધતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવ્‍યો છે. તેમણે કહ્યુ ઇંધણની કિંમતો ઐતિહાસિક અને ગેરવાજબી છે. ઇંધણના વધેલા ભાવ પરત ખેંચવામાં આવે અને તેનો લાભ દેશના મધ્‍યમ તેમજ નજીવા વેતન પર ઘર ચલાવતો વર્ગ, ખેડૂતો અને ગરીબો સુધી પહોંચતો કરવામાં આવે. જે રીતે જીડીપી ડૂબકી મારી રહ્યો છે. અને ઇંધણના ભાવ બેકાબુ થવા છતાંય સરકાર પોતાના આર્થિક ગેરવહીવટનું ઠીકરું ભૂતકાળની સરકારો પર ફોડવામાં વ્‍યસ્‍ત છે. કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું સરકાર લોકોની તકલીફો વધારીને નફાખોરી કરી રહી છે.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પત્રના આરંભે લખ્‍યુ, હું આ પત્ર તમને ઇંધણ, ખાદ્યતેલો અને રાંધણ ગેસના આસમાને પહોંચેલ દામથી દરેક નાગરિકને વેઠવી પડી રહેલી પીડા અને સંકટથી વાકેફ કરવા પાઠવી રહી છું. એક તરફ દેશમાં રોજગારીનો  ખાત્‍મો થઇ રહ્યો છે, કર્મચારીઓના વેતન પર કાપ મૂકવામાં આવી રહ્યો છે અને જીવનજરૂરિયાતોની ચીજવસ્‍તુઓના ભાવમાં ભડાકાની સ્‍થિતીથી મધ્‍યમ વર્ગની હાલત કફોડી બની ચૂકી છે. આવા કપરા સમયમાં પણ ભારત સરકાર લોકોના દુઃખ દર્દ ઘટાડવામાના બદલે તેમની તકલીફ વધારીને નફાખોરી કરી રહી છે. તેમણે પત્રમાં વધુમાં કહ્યું દેશના અનેક ભાગમાં પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ પ્રતિ લીટરને પાર થઇ ચૂકયો છે. ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે કરોડો ખેડૂતોની પરેશાનીઓને વધારી દીધી છે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં તેલની કિંમત મધ્‍યમ સ્‍તરે જ છે, તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાએ દેશના નાગરિકો પણ અરજની લાગણી વ્‍યકત કરી રહ્યા છે.

 

(10:30 am IST)