મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

અમને જેલથી ડરાવવા પ્રયાસ ન કરો, ઉંદરો સામે લડવાથી ડરતા નથી !

૨૦૨૧માં માત્ર એક જ 'ખેલ' રમાશે : આ મેચની ગોલકીપર હું હોઇશ : જોવા માંગુ છું કોણ જીતે છે, કોણ હારે છે !! :મમતા બેનરજી તૂટી પડયા : ભાજપ સરકાર ઉપર મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી કોઇ ધમકીથી ડરવાની નથી !

કોલકત્તા તા. ૨૨ : સીબીઆઇએ રવિવારે પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનર્જીની પત્નીને કોલસા ચોરીના કેસમાં પૂછપરછ માટે રૂબરૂ જઇને નોટીસ પાઠવી છે. એ પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મમતા બેનરજીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી તેમના શરીરમાં જીવ છે, તેઓ કોઇપણ પ્રકારની ધમકીથી ડરવાના નથી.

તેમણે ઉમેર્યું કે 'અમને જેલથી ડરાવવાનો પ્રયાસ ન કરે, અમે બંદૂકોનો સામનો કર્યો છે અને અમે ઉંદરોથી ડરતા નથી. વર્ષ ૨૦૨૧માં માત્ર એક ખેલ થશે અને તે મેચની ગોલકીપર હું હોઇશ અને આ જોવા માગું છું કે કોણ જીતે છે અને કોણ હારે છે.'

સીબીઆઇની ટીમે અભિષેકના પત્ની રૂજિરા બેનરજીને પશ્ચિમ બંગાળની ઇસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડમાંથી કોલસા ચોરીના કેસમાં તપાસ અધિકારી, સીબીઆઇના એડીશનલ પોલીસ કમીશનર ઉમેશ કુમાર તરફથી નોટીસ જારી કરી હતી. આ કેસમાં અનૂપ માંઝીને કથિત માસ્ટરમાઇન્ડ ગણાવવામાં આવ્યો છે.

રવિવારે જારી નોટીસમાં રૂજિરાને કહેવાયું છે કે તે હરીશ મુખર્જ રોડ સ્થિત પોતાના સરનામે કેસ સંબંધિત કેટલાક સવાલોના જવાબ માટે હાજર રહે. સીબીઆઇની કાર્યવાહી પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપાએ એકબીજા પર નિશાન તાકયું છે.

અભિષેક બેનરજીએ ટિવટ કરીને કહ્યું છે કે આજે બપોરે બે કલાકે સીબીઆઇએ મારા પત્નીના નામે એક નોટીસ મોકલી હતી. અમને દેશના કાયદા પર સંપૂર્ણ ભરોસો છે.

(10:25 am IST)