મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

પેટ્રોલ - ડિઝલ બાદ ડુંગળીના ભાવે રડાવ્યા

ડુંગળીની કિંમતોમાં ૨૦ દિવસમાં ૧૫ રૂ.નો ભાવ વધારો

મુંબઇ તા. ૨૨ : પેટ્રોલ -ડીઝલ અને રાંધણ ગેસની વધી રહેલી કિંમતો વચ્ચે ડુંગળીના ભાવોમાં વધારાના કારણે ઘરેલું બજેટ ખોરવાયું છે. આ સાથે જ છૂટક માર્કેટમાં ડુંગળીની કિંમત ૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જો કે, સરકારને આશા છે કે માર્ચ મહિનામાં ડુંગળીની આવક વધશે એટલે ભાવ ઘટી જશે. આ સાથે જ કેન્દ્ર સરકાર બફર સ્ટોક દ્વારા રાજયોને ડુંગળી પહોંચાડી શકે છે.

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદ એ ડુંગળીની કિંમતોમાં અચાનક આવેલા વધારા પાછળનું મુખ્ય કારણ છે. આ બંને પ્રદેશોમાં વરસાદ અને કરા વરસવાના કારણે ડુંગળીનો પાક ખરાબ થઈ ગયો છે. આ કારણે એશિયાની સૌથી મોટી મંડી લાસલગાંવમાં ડુંગળીની કિંમત ૪,૨૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલ સુધી પહોંચી ગઈ છે.

ગ્રાહક મંત્રાલયના અહેવાલ પ્રમાણે રાજધાની દિલ્હીમાં ડુંગળીની કિંમતોમાં ૨૦ દિવસમાં ૧૦થી ૧૫ રૂપિયાનો વધારો થયો છે. માર્ચ મહિનામાં ડુંગળીની આવક વધવા સાથે કિંમતો ઘટશે તેવી આશા છે પરંતુ કેટલાક નિષ્ણાંતો ડુંગળીની કિંમતોમાં હજુ પણ વધારો થશે તેવું માની રહ્યા છે.

(10:23 am IST)