મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ઇન્દોરમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની લિફ્ટ અચાનક ઝટકો ખાઇને જમીન પર પટકાઇ

ઈન્દોરની ડીએનએસ હોસ્પિટલમાં પહોંચેલા કમલનાથ મોટા અકસ્માતમાં બચી ગયા: મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યા તપાસના આદેશ

મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રવિવારે એક મોટા અકસ્માતમાં બચી ગયા હતા. ઈન્દોરની ડીએનએસ હોસ્પિટલમાં પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની લિફ્ટ અચાનક ઝટકો ખાઇને જમીન પર પટકાઇ ગઈ હતી. લિફ્ટ પડી તે સમયે કોંગ્રેસ પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હાજર હતા.

આ ઘટના અંગે રાજ્યનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તપાસનાં આદેશ આપ્યા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોતી અને તમામ લોકો બચી ગયા હતા.

પૂર્વ મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો સજ્જન વર્મા, જીતુ પટવારી અને વિશાલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, નવી બનેલી હોસ્પિટલમાં લિફ્ટમાં ક્ષમતાથી વધારે લોકો હોવાના કારણે આ લિફ્ટ 10 ફુટથી નીચે આવી પડી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટનાં જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ કમલનાથ સહિત 13-14 લોકો લિફ્ટમાં હતા અને આ બધા લોકો સુરક્ષિત છે. અધિકારીઓએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતા સાથે વાત કર્યા પછી રાજ્યનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જિલ્લા પ્રશાસનને લિફ્ટ અકસ્માતની તપાસ કરવા સૂચના આપી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનાં મીડિયા કોઓર્ડિનેટર નરેન્દ્ર સલૂજાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, “કમલનાથ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રામેશ્વર પટેલની તબિયત જાણવા ગયા હતા. જેમને ઈન્દોરની ડીએનએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ અને કોંગ્રેસનાં અન્ય નેતાઓ બેસ ફ્લોરથી ઉપરના માળે જઇ રહ્યા હતા. લિફ્ટમાં સવાર થયા પછી લિફ્ટ અચાનક ધડાકાથી 10 ફૂટ નીચે પડી.” સલૂજાએ કહ્યું કે, ‘અકસ્માત બાદ લિફ્ટમાં ધૂળ અને ધુમાડા ભરાઈ ગયા હતા અને તેના દરવાજા લોક થઈ ગયા હતા. 10-15 મિનિટ પછી, લિફ્ટનો દરવાજો મહામુશ્કેલીથી ખોલવામાં આવ્યો.

તેમણે કહ્યું, “કમલનાથ અને કોંગ્રેસનાં અન્ય તમામ નેતાઓ કે જે લિફ્ટમાં હતા તે સુરક્ષિત છે.” કોંગ્રેસનાં નેતાએ, લિફ્ટ અકસ્માતને કથિત રીતે બેદરકારી અને સલામતીની ક્ષતિઓનું પરિણામ બતાવતા તંત્રને માંગ કરીકે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે કડક પગલા ભરવામાં આવે. તેમણે કહ્યું કે, અકસ્માત દરમિયાન લિફ્ટમાં રાજ્યનાં બે ભૂતપૂર્વ પ્રધાનો – સજ્જનસિંહ વર્મા અને જીતુ પટવારી સાથે કમલનાથ પણ હતા, ઉપરાંત કોંગ્રેસનાં સ્થાનિક ધારાસભ્ય વિશાલ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિનય બાકલીવાલ પણ હતા. આ વચ્ચે રાજ્યનાં જનસંપર્ક વિભાગ તરફથી જાહેર કરવામા આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, “મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રવિવારે ઈન્દોરમાં કમલનાથની સાથે થયેલા લિફ્ટ અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચૌહાણે અકસ્માત બાદ કમલનાથ સાથે ફોન પર ચર્ચા કરી હતી અને તેમની તબિયત વિશે પૂછ્યું હતું.

(12:00 am IST)