મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

દેશભરમાં કોરોનાનાં 7684 પ્રકારના વાયરસ : ભારતીય વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

22 રાજ્યોમાં 35 લેબમાંથી નમૂના એકત્રિત કર્યા પછી વૈજ્ઞાનિકો દ્વારા જિનોમ સિક્વેંસિંગ કરાયું

નવી દિલ્હી : ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હૈદરાબાદ સ્થિત CCMBના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દેશમાં 7684 પ્રકારના કોરોના વાયરસની હાજરી મળી આવી છે. તેમાંથી મોટાભાગના દક્ષિણના રાજ્યોમાં છે. અહીં N-440 ના કોરોના વાયરસનું સ્વરૂપ ખૂબ જ ઝડપથી ફેલાયું છે. તેલંગાણામાં 987 અને આંધ્રપ્રદેશમાં 296 પ્રકારના કોરોના વાયરસ મળી આવ્યા છે.

દેશના 22 રાજ્યોમાં 35 લેબમાંથી નમૂના એકત્રિત કર્યા પછી વૈજ્ઞાનિકો દ્વારા જિનોમ સિક્વેંસિંગ કરવામાં આવ્યું હતું. તેમાં એક ડઝનથી વધુ કોરોના ક્લેડ પણ મળી આવ્યા છે. હૈદરાબાદ સ્થિત સીસીએમબીના ડિરેક્ટર ડો.રાકેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધુ કોરોનાના સ્વરૂપ મળી આવ્યા છે. રાહતની વાત છે કે આમાંના કેટલાક વાયરસ જ જીવલેણ છે. જોકે આ માટે વધુ અભ્યાસની જરૂર છે. એક હકીકત એ પણ છે કે વિશ્વના અન્ય દેશોમાં જોવા મળતા કોરોનાના સ્વરૂપોની ભારતમાં ખૂબ ઓછી હાજરી છે.

જોકે ઘણા બધા કોરોના વાયરસના કેસો એ ફરીથી લોકોને ભયભીત કર્યા છે. દેખીતી રીતે દેશમાં કોરોનાને રોકવા માટે રસીકરણનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવું ખુબ જ મહત્વનું છે.

(9:18 am IST)