મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ઉત્તરાખંડ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર વધુ પ મૃતેદહ મળ્યા

પૂરની ઝપેટમાં આવી જતા હજી ઘણા લોકો ગુમ : ચમોલીમાં ગ્લેશિયર ફાટ્યાના બે અઠવાડિયા પછી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, કુલ મૃત્યુઆંક ૬૭ પર પહોંચ્યો

જોશીમઠ, તા. ૨૧ : ઉત્તરાખંડમાં એનટીપીસીની તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પરથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે. ૭ ફેબ્રુઆરીએ ગ્લેશિયર ફાટવાના કારણે થયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૬૭ પર પહોંચી ગઈ છે. એનડીઆરએફના કમાન્ડન્ટ પી.કે. તિવારીએ જણાવ્યું હતું કે શનિવારે તપોવન પ્રોજેક્ટ બેરેજ નજીક કાદવમાંથી મૃતદેહ મળી આવ્યા છે.

૭ ફેબ્રુઆરીના રોજ ચમોલી જિલ્લામાં ઋષિગંગા નદી પર ગ્લેશિયર ફાટવાને કારણે ભારે પૂર આવ્યું હતું, જેના કારણે ઘણા લોકો ગુમ થયા હતા. પ્રોજેક્ટ સાઇટ પર સર્ચ ઓપરેશન ૧૩ દિવસથી વધુ સમયથી યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હિમસ્ખલનમાં ૧૩.૨ મેગાવોટનો ઋષિગંગા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નષ્ટ થયો હતો, જ્યારે તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થયું હતું.

વધુ પાંચ લોકોના મૃતદેહ મળી આવતા દુર્ઘટનામાં મોતને ભેટનાર લોકોની સંખ્યા ૬૭ થઈ ગઈ છે, જ્યારે ૧૩૯ લોકો હજી ગુમ છે. આ દરમિયાન ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વાતિ એસ. ભદૌરીયાએ શનિવારે એનટીપીસીને પ્રોજેક્ટ સાઇટ પર ચાલી રહેલા ઓપરેશનમાં વધારાના ઉપકરણો સ્થાપિત કરવા અને ધૌલીગંગા નદીનો માર્ગ બીજી તરફ વાળવા જણાવ્યું હતું, જેથી તેનું પાણી બેરેજથી તપોવન ટનલમાં ન વહી જાય, જે કાદવ સાફ કરવાના પ્રયત્નોમાં અવરોધ લાવી શકે છે. ભદૌરીયાએ જણાવ્યું હતું કે, બેરેજમાંથી ટનલમાં વહેતા નદીનું પાણી બચાવ ટીમો માટે મોટી માથાનો દુખાવો બની રહ્યો છે, જેનાથી કાટમાળને હટાવવાની કામગીરી વધુ પડકારજનક બની છે. ડીએમે જણાવ્યું હતું કે રૈણીમાં મુખ્ય પ્રોજેક્ટ સાઇટ પર બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

(12:00 am IST)