મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

પોઝીટીવ કેસ સતત વધી રહ્યાં છેઃ ૮૦% કેસ પ રાજયોમાં જયારે ૬૦ ટકા કેસ પ શહેરનાં

કોવિડ-૧૯ના કેસ અમુક વિસ્તાર સુધી જ સીમિત

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ દરરોજ વધી રહ્યું છે. કોરોનાના પોઝિટિવ કેસોમાં દ્યટાડો થવાને બદલે તેમની સંખ્યા દરરોજ વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, સમગ્ર ભારતમાં ચેપના નવા ૬૦૮૮ કેસો આવ્યા બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૧,૧૮,૪૪૭ થઈ છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાના ૮૦ ટકા કેસ ૫ રાજયોના છે. જયારે ૬૦ ટકા કેસ માત્ર ૫ શહેરના છે. જેમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ અને થાણેનો સમાવેશ થાય છે.

૨૧ મે સુધીના પોઝિટિવ કેસોનું એનાલિસિસ કરતા NITI આયોગ મેમ્બર ડો.વી.કે. પોલે કહ્યું કે, 'મહારાષ્ટ્ર, તામિલાડુ, ગુજરાત, દિલ્હી અને મધ્યપ્રદેશમાંથી મોટાભાગના કેસો સામે આવ્યા છે. આંકડા મુજબ ૯૦ ટકા કોરોનાના કેસ ૧૦ રાજયોમાંથી સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન કરેલી કાર્યવાહીને કારણે કોરોનાના કેસ અટકાવવામાં આવ્યા છે. જે આપણને ભવિષ્યમાં વધુ તૈયાર રહેવા માટે સક્ષમ બનાવશે.'

પોઝિટિવ કેસોની જેમ જ કોરોનાના દર્દીઓના ૮૦ ટકા મોત ૫ રાજયોમાં નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્યિમ બંગાળ અને દિલ્હીનો સમાવેશ થાય છે. જયારે ૯૫ ટકા મોત ૧૦ રાજયોમાં નોંધાયા છે. જે સંકેત આપે છે કે મોટાભાગના વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ મર્યાદિત છે તેવુ સરકારે જણાવ્યું હતું.

ડો. પોલે જણાવ્યું કે 'આ કોઈ નાની સિદ્ઘિ નથી. કોરોનાનો પ્રકોપ મર્યાદિત હોવાને કારણે તે આપણને અન્ય વિસ્તારો ખોલવાનો વિશ્વાસ આપે છે. આટલું મોટું રાષ્ટ્ર હોવા છતાં લોકડાઉનને કારણે કોરોના વાયરસનો ફેલાવો મોટાભાગના વિસ્તારમાં મર્યાદિત રહ્યો.

શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૦૮૮ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા ૧.૧૮ લાખ સુધી પહોંચી ગઈ છે. તેમાંથી ૬૬,૩૩૦ એકિટવ કેસ તબીબી દેખરેખ હેઠળ હતા. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨૩૪ દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધી ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા ૪૮૫૫૩ થઈ છે. જેથી દેશમાં ટોટલ રિકવરી રેટ ૪૦.૯૮ ટકા થયો છે.

(10:48 am IST)