મુખ્ય સમાચાર
News of Friday, 22nd May 2020

મનોરંજન ઉદ્યોગ એકશનમાં : ટૂંક સમયમાં શુટીંગો શરૂ

બેહાલ પડેલ આ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે : વીડિયો કોન્ફરન્સીંગ બાદ ટ્વીટ કરી જાહેરાત : જેમના સેટ પહેલેથી જ તૈયાર છે તેમને ભાડામાં રાહતની પણ વિચારણા : ઓછા લોકોથી કામ ચલાવાશે

મુંબઈ તા. ૨૨ : દેશમાં કોરોના રોગચાળાને કારણે, તમામ વ્યવસાયોને મોટું નુકસાન થયું છે. મનોરંજન ઉદ્યોગ પણ આ આંચકાથી બાકાત રહ્યો નથી. જયારે શો અને ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવે છે ત્યારે નિર્માતાઓને ભારે નુકસાન પણ વેઠવું પડે છે. પરંતુ સવાલ એ છે કે તેમને કયારે છૂટ મળશે. મનોરંજન ઉદ્યોગના સારા દિવસો કયારે આવશે.

હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ બેહાલ પડેલી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. તેમણે સૂચવ્યું છે કે શો અને ફિલ્મ્સનું શૂટિંગ જલ્દીથી શરૂ કરી શકાય છે. સીએમ ઉદ્ઘવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મનોરંજન ઉદ્યોગના સાથીદારો સાથે ૨૧ મે, ગુરુવારે વાત કરી હતી.

વીડિયો કોન્ફરન્સિંગ બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પ્રથમ ટ્વીટમાં રાજય સરકાર આ ક્ષણમાં તેના ટેકનિશિયન, કલાકાર, કર્મચારી સાથે નિશ્ચિતપણે ઉભી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, જેમના સેટ પહેલાથી જ તૈયાર થઈ ગયા છે, ભાડામાં થોડો ઘટાડો થાય તે માટે પણ વિચારણા કરી શકાય છે.

આ સિવાય સીએમ ઉદ્ઘવ ઠાકરેએ મનોરંજન ઉદ્યોગને એકશન પ્લાન બનાવવા કહ્યું છે. ટ્વિટમાં લખ્યું છે - જો સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને શૂટિંગ શરૂ કરવા અને પોસ્ટ પ્રોડકશન માટે કોઈ એકશન પ્લાન લાવવામાં આવશે, તો રાજય સરકાર તેના પર વિચાર કરશે.

નોંધનીય છે કે, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિનેમા એમ્પ્લોઇઝે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું - જો પોસ્ટ પ્રોડકશનનું કામ હવે મંજૂર થઈ ગયું છે, તો સ્ટુડિયોમાં ફકત ઓછા લોકોના ટેકાથી કામ થઈ શકે છે. આને કારણે, લોકડાઉન થયા પછી તરત જ ફિલ્મો રજૂ થઈ શકે છે.

(11:33 am IST)