મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

રેલવે સ્ટેશનો પર છુટક સામાન વેચતા લાખો લોકો બેહાલ

નવી દિલ્હી તા. ૨૫ : કોરોના વાયરસે દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્ક ભારતીય રેલવેની કમર તોડી નાખી છે. રેલવેને આ વાયરસે બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે તો તેમાંથી રોજી રોટી મેળવનારા લાખો લોકો હવે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સરકારે દેશભરમાં રેલવેની પેસેન્જર ટ્રેનોને અત્યારે ૩૧ માર્ચ સુધી બંધ કરી દીધી છે. આઇબીઇએફ અનુસાર ભારતમાં સામાન્ય રીતે રોજના ૨ કરોડ ૩૦ લાખ લોકો રેલવેમાં મુસાફરી કરે છે. પ્રવાસી ભાડામાંથી રેલવે મંત્રાલયને રોજની ૧૫૦ કરોડની આવક થાય છે. આ સાથે જ સ્ટેશનો પર લાખો લોકો ખાણી-પીણીનો સામાન, અખબાર વેચીને અથવા બીજા કામો કરીને પોતાનું ઘર ચલાવે છે. રેલવેનું સંચાલન બંધ થવાથી તેમના પરિવારો સામે રોજી રોટીનું સંકટ ઉભું થયું છે. આમાંથી કેટલાક લોકો પોતાના ગામ અથવા મૂળ જગ્યાએ પાછા જતા રહ્યા છે.

રેલવેના એક અધિકારીએ કહ્યું કે, ૩૧ માર્ચ પછી પરિસ્થિતિ થોડી પણ સુધરે અને રેલવે ચાલુ થાય તો પણ તેના પર મુસાફરો મળવા મુશ્કેલ છે. એટલે નુકસાનીની ભરપાઇ તો ઠીક પણ વધારાના નુકસાનની શંકા છે. રેલવે મંત્રાલયે ટવીટ કરીને કહ્યું છે કે ભારતીય રેલવે યુધ્ધના સમયે પણ બંધ નહોતી થઇ. અત્યારની પરિસ્થિતિની ગંભીરતા સમજીને લોકોએ ઘરમાં રહેવું જોઇએ.

(3:33 pm IST)